શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:36 IST)

શુલપાણેશ્વર અભ્યારણ્યમાં ટાઇગર સફારી પાર્કના પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ મુકાયું

નર્મદા જિલ્લાના શુલપાણેશ્વર અભ્યારણ્યમાં ટાઇગર સફારી બનાવવા માટે સરકારે બજેટની ફાળવણી નહિ કરતાં પ્રોજેક્ટ પર હાલ બ્રેક વાગી છે. સુચિત ટાઇગર પાર્કને અનુલક્ષી આજુબાજુના વિસ્તારમાં લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને જમીનો વેચાતી લીધી છે જે પણ માથે પડે એમ છે. કાકડીયા ગામ નજીક 85 હેકટર જમીનમાં ટાઇગર પાર્ક બનાવવાની યોજના છે. તિલકવાડાના કાકડિયા ગામે 85 હેક્ટર જમીનમાં આ ટાયગર સફારી બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ટાયગર સફારી બનતા સ્થાનિક ગામોમાં વાઘો ઘૂસી જઈ શકે અને જાનમાલને નુકશાન પહોંચાડી શકે તેવી ફરિયાદો સ્થાનિક રહીશોએ કરી હતી.

રાજય સરકાર હાલ દબાણમાં આવી છે અને બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી અને  ગ્રાન્ટ પણ અટકાવી દીધી છે. જેથી આ પ્રોજેક્ટ સરકાર આગળ વધાવવા ઈચ્છે છે કે એકમ એજ સ્પષ્ટ જણાતું નથી. વજિરિયાના જંગલમાં દીપડા, રીછ, ઝરખ, નીલગાય, હરણ જેવા પ્રાણીઓ છે. વાઘના નિવાસ માટે સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હોવાથી આ પ્રોજેક્ટને મંજુર કરાયો હતો. વનમંત્રીથી લઇ ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ જેની સીમાઓ પણ નક્કી કરી કામગીરી આરંભી હતી અને ટ્રેક પણ નક્કી કરાયા હતાં.

મધ્યપ્રદેશથી 8 વાઘનું એક કુટુંબ જેમાં બે નર તથા નારી અને બીજા બચ્ચા લાવવાનું પણ નક્કી કરાયું હતું પણ હાલ પુરતી પ્રોજેકટ પર રોક લાગી હોય તેમ લાગી રહયું છે. સુચિત ટાઇગર પાર્કને કારણે માલેતુજારોએ આસપાસના વિસ્તારમાં મોંઘા ભાવની જમીનો પણ ખરીદી છે ત્યારે તેઓની મુશ્કેલી પણ વધી શકે છે.