બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (17:33 IST)

સાણંદ ખાતે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો પ્રારંભ, રાજ્યમાં 4 સ્થળે ફાળવાઈ જમીન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાણંદ જીઆઇડીસીમાં ૧૮.૩ર હેકટર વિસ્તારમાં પ્રથમ વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આજના કાર્યક્રમમાં મહિલા ઔદ્યોગિક પાર્કમાં ૧૦ર પ્લોટનું મહિલા ઉદ્યોગ સાહસિકોને વિતરણ કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીએ આ પ્રસંગે હાલોલમાં (15.84 હેક્ટર), જુનેદમાં (23.68 હેક્ટર), મિયાવાડીમાં (16.05 હેક્ટર) વુમન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે જમીન ફાળવાઈ હોવાની માહિતી આપી હતી. 

સાણંદમાં 18.32 હેક્ટરમાં ફેલાયેલા આ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જીઆઈડીસી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવા અને આર્થિક સહાય મળી રહે તે રીતે મદદ કરાશે. આ પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, ગુજરાતમાં મહિલા સશકિતકરણના જે નવા આયામો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમ્યાન પ્રસ્થાપિત કર્યા છે તેને આપણે એ જ ગતિએ આગળ વધાર્યા છે. બહેનો-મહિલાઓનું કર્તવ્ય માત્ર ઘરબાર ચલાવવા પૂરતું જ સિમિત હતું તેવી પરંપરાગત છાપમાંથી હવે નારીશકિત બહાર આવીને ઘરબાર સાથે ઉદ્યોગ-વેપારના કારોબાર પણ સક્ષમતાથી સંભાળતી થઇ છે. 
ગ્રામીણ નારીશકિત પાપડ વણવાના ગૃહ ઉદ્યોગથી માંડીને આવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મોટા ઉદ્યોગો શરૂ કરી રહી છે તેવી સાનુકૂળ તકો-કલ્યાણ યોજનાઓ ગુજરાતમાં ઉપલબ્ધ હોવાનું કહીને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉદ્યોગ શરૂ કરનારી નારીશકિત અન્ય પાંચ હજાર જેટલી ગ્રામીણ બહેનો-માતાઓને રોજગારની તકો પૂરી પાડવાની છે તે બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.