ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (10:40 IST)

સપા-કોંગ્રેસ ગઠબંધન - પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણી ?

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની દખલગીરી પછી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન પછી કોંગ્રેસમાં હલચલ ઝડપી થઈ ગઈ છે.  કોંગ્રેસ નેતા એકવાર ફરી રાજનીતિમાં પ્રિયંકાના સક્રિય થવાની વાતો કરવા લાગ્યા છે.  કેટલાક નેતાઓનુ માનવુ છે કે જે રીતે તેમણે યૂપીની સ્થિતિ સાચવી છે તેનાથી 2019ના લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસનો ચેહરો બની શકે છે.  ખરાબ તબીયતને કારણે સોનિયા ગાંધીએ સક્રિય રાજનીતિમાં પોતાની ભુમિકા સીમિત કરી નાંખી છે એવામાં તેમના મતવિસ્તારનું સુકાન પુત્રી પ્રિયંકા સંભાળી શકે છે. પક્ષ તરફથી એવુ પણ કહેવાય છે કે પ્રિયંકા ચૂંટણીના રણ મેદાનમાં ઉતરશે તો પક્ષમાં રાહુલ ગાંધીના કદને કોઇ અસર નહી થાય. સોનિયાના રાજકીય વારસ તરીકે કોંગ્રેસની કમાન તેમના જ હાથમાં રહેશે.
 
કોંગ્રેસે સોમવારે સપા સાથેના ગઠબંધનમાં પ્રિયંકાની ભુમિકાને ખુલ્લેઆમ સ્વીકારેલ છે. સુત્રો કહે છે કે આ થકી પક્ષે પ્રિયંકાના સત્તાવાર રીતે રાજકારણમાં ઉતરવાના સંકેતો આપી દીધા છે. આવુ પહેલીવાર થયુ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પક્ષ સાથે જોડાયેલી બાબતોમાં પ્રિયંકાની ભુમિકાની ચર્ચા કરી હોય. કોંગી નેતા અહેમદ પટેલે ટવીટ્ થકી અને ગુલામનબી આઝાદે મીડીયા સાથેની વાતચીતમાં ગઠબંધન માટે પ્રિયંકાને શ્રેય આપ્યો હતો.
 
પ્રિયંકાની સક્રિય રાજનીતિમાં પ્રવેશવાની ચર્ચા એ કયાસ સાથે પણ જોડાયેલી છે કે સોનિયા 2019ની લોકસભાની ચૂંટણી લડશે કે નહી ? રાયબરેલી અને અમેઠી કોંગ્રેસના ગઢ ગણાય છે. 1999થી પ્રિયંકા આ બંને બેઠકનો પ્રચાર કરે છે. પક્ષના સુત્રોને લાગે છે કે કયારેક ઇન્દિરા ગાંધીનો મત વિસ્તાર રહેલ રાયબરેલી પ્રિયંકા માટે શ્રેષ્ઠ લોન્ચપેડ હશે. પક્ષમાં પ્રિયંકાની ઇન્દિરા સાથેની તુલના થતી રહેતી હોય છે.
 
કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન ગમે ત્યારે થશે. રાહુલ પક્ષના અધ્યક્ષ બનશે. પાંચ રાજયોની ચૂંટણી બાદ પક્ષમાં ફેરબદલ થશે. નવી ટીમને 2019ની ચૂંટણી પહેલા તૈયારી માટે બે વર્ષનો સમય મળશે. સોનિયાના ખરાબ સ્વાસ્થ્યએ રાહુલની પ્રિયંકા ઉપરની નિર્ભતા વધારી દીધી છે. જો પ્રિયંકા સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરશે તો તેઓ સંગઠનની જવાબદારી સંભાળશે. આનાથી રાહુલ પાસે નેતૃત્વની જવાબદારી રહેશે. સોનિયા રાજનીતિ છોડશે અને પ્રિયંકાનુ આગમન થશે.