શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated :નવી દિલ્હીઃ , શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (08:29 IST)

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, અનેક દિગ્ગજો મેદાનમાં

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજથી તબક્કાવાર શરૂઆત થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કામાં પશ્ચિમી ઉત્તરપ્રદેશના 15 જિલ્લામાં 73 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. 2,60,17,128 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર જો વાતાવરણ અનુકૂળ હશે તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.

કુલ 2.6 કરોડ મતદારોમાં 1.17 કરોડ મહિલાઓ છે અને 1,508 લોકો કિન્નરો છે. મતદારોની સંખ્યાની દૃષ્ટિમાં સાહિબાબાદ સૌથી મોટો અને જાલેસર સૌથી નાનો મતવિસ્તાર છે. આગરા સાઉથમાં સૌથી વધુ 26 ઉમેદવારો અને હસ્તિનાપુરમાં સૌથી ઓછા 6 ઉમેદવારો મેદાનમાં છે.

દિગ્ગજ ઉમેદવારોમાં નોઈડાથી રાજનાથસિંહના પુત્ર પંકજસિંહ, મથુરામાંથી કોંગ્રેસના પ્રદીપ માથુર, ભાજપના પ્રવક્તા શ્રીકાંત શર્મા, કૈરાનામાંથી ભાજપસાંસદ હુકમસિંહનાં પુત્રી મૃગાંકા સિંહ, ભાજપના સાંસદ સંગીત સોમ અને સુરેશ રાણા, લક્ષ્મીકાંત વાજપેયી, લાલુપ્રસાદના જમાઈ રાહુલસિંહનું ભાવી મતદારો નક્કી કરશે. રાજ્યનો વિકાસ, કાયદો અને વ્યવસ્થા તેમજ અન્ય મુદ્દાઓ પર આ ચૂંટણી લડાઈ રહી છે.