શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

આકાશ સાથે સંબંધો બાંધવાનું પર્વ એટલે ઉત્તરાયણ

P.R

સંબંધોના આકાશમાં આકાશ સાથે સંબંધો બાંધવાનું પર્વ એટલે ઉત્તરાયણ… સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશે છે અને મકરસંક્રાંતિ ઉજવાય છે. થોડા વર્ષો અગાઉ આપણી વચ્ચેથી વિદાય લેનારા કવિ રાજેન્દ્ર શાહે કહ્યું હતંં કે મને આકાશને તાકી રહેવું બહુ ગમે છે. નાનપણમાં પતંગો ચઢાવવાનો મને ભારે શોખ હતો. પતંગ આકાશી વંદના કરવા માટે ચગાવવાના હોય છે. એક જ રંગના કે રંગ વગરના આકાશની સેંથીને રંગબેરંગી કરવાની હોય છે. ધરતી અને આકાશની ક્ષિતિજને હાથથી ઠમકો મારીને ઠમકારવાની હોય છે. પતંગો આપણને આકાશ થવાનું ઈજન આપે છે. પતંગો આપણા જીવનને ઠમકાની ભાષામાં સમજાવે છે. પતંગ ચગાવતા હોવાનો ફોટોગ્રાફ હૈયામાં ઝીલાય છે.

ઊંચે ગયા પછી સ્થિર રહીએ તો ગતિની સ્થિરતામાં ફરક નથી પડતો, ઊંચે ગયા પછી બાજુવાળાના પતંગને કાપવાની હિલચાલ કેટલીકવાર મોંઘી પડે છે. ‘કેટલીક’ તો વિવેક ખાતર લખ્યું છે. બાકી કાયમ મોંઘી જ પડે છે ! પતંગો કપાઈને અજાણ્યા હાથમાં પકડાઈને ચગી જતા હોય છે. તક અને આવડતનો સમન્વય છે પતંગ…. વપરાઈ ગયેલી દોરીમાં પડતી ઝોલ જીવનના નિત્યક્રમનો સિદ્ધાંત છે. એને સાચવી રહીને વાપરવાથી પતંગ ચગાવવાના સમયનું આયુષ્ય વધે છે. પ્રત્યેક પતંગ આકાશને સલામ કરતા બાળક જેવો ચંચળ લાગે છે. એનું ધ્યાન આમતેમ રમવામાં છે અને આપણા હાથ એને સલામીનું લેસન શિખવાડે છે.

આપણે બાજુવાળાના ધાબા પરથી આપણા પતંગની ‘હવા’ નક્કી કરવાવાળા માણસો છીએ. એમાં નથી પતંગના રહેતા કે નથી આકાશના કે હવાના ! આપણા પતંગને આકાશ સાથે પરણાવવા માટે પતંગ ચગાવવાનો છે. આકાશને પ્રેમપત્ર લખવાની ઋતુનું નામ છે ઉત્તરાયણ ! ગમતી વ્યક્તિના હાથમાં આપણા પતંગની ફીરકી હોય ત્યારે પતંગને હવા વગર પણ ચઢાવવાની મજા આવે છે. આમ પણ આપણા પતંગની ‘ફીરકી’ ગમતી વ્યક્તિના હાથમાં જ હોય છે ! ગરમાગરમ ઊંધિયું અને જલેબી પ્રિય ગુજરાતીઓ અગાશી પર બૂમો પાડીને આદિમાનવને ઝંખે છે આ દિવસોમાં ! પ્રત્યેક પતંગના કપાઈ જવા સાથે પડાતી બૂમોનો આનંદ અને કપાઈ ગયાનો વસવસો વધુ એક ચગાવવાના બાકી પતંગને કિન્ના બાંધે છે. પતંગને કવિતામાં ઓછો ગવાયો છે, પણ જેટલો ગવાયો છે તેટલો મઝેદાર રીતે વ્યક્ત થયો છે. જૂની રંગભૂમિની તોલે આ પતંગના પ્રાસમાં ભાગ્યે જ કોઈ કવિએ શ્વાસ મેળવ્યો છે…. જુઓ,

ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની….
સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની….

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની આ રચના અતિલોકપ્રિય છે. પતંગ અને કિન્નાની જોડાજોડ જીવન પણ જોડાવું જોઈએ. ઉત્સવની આત્મીયતા સાથે રહીને, જોડાજોડ જીવીને આનંદવાની છે. પતંગ પાવલો હોય કે ગેંસિયો કે ચાંદેદાર કે આંખવાળો એનો ઢઢ્ઢો મજબૂત હોવો જોઈએ. દોરીને રંગ પીવડાવવાથી માંજો બને છે. માંજો અગત્યનો ખરો, પણ કસબ તમારા હાથમાં હોવો જોઈએ. ગમતી વ્યક્તિ ફીરકી પકડે કે આપણે એની ફીરકી પકડીએ, વાયરાને એટલી જ પ્રાર્થના કરવાની કે તમે સંતાઈ ના જાશો…. વર્ષે એકવાર અમે અમારી અગાશી પર આવીએ છીએ. અમારી ઠંડી પડતી જતી ચામડીને સૂર્યનારાયણ તડકાનો પ્રસાદ વહેંચે છે, ત્યારે તમે આરતીની આશકા અમારા પતંગ તરફ રાખજો. ઊંચે જવું ગમે છે. કપાઈ જવાની બીક અમારા મનમાં રમે છે. આવો, ઉત્તરાયણના પર્વને અગાશી પર જઈને ગીત ગાતા ગાતા ઊજવીએ :

હૈયે ઉમંગ છે….

મનગમતો સંગ છે….

પેચ રે લડાવી જુઓ જમવાનો રંગ છે….

લાવો, લાવો, પતંગ અને માંજો,

કહો વાયરાને મન મૂકી વાજો.

આભને તેડીને ઊભી મારી પતંગ, જુઓ….

ઠમકો મારીને એનો નિખરે રંગ, જુઓ….

પાવલો કે ગેંસિયો કે ચાંદેદાર કે આંખવાળો,

આભમાં જુઓને બાંધ્યો ધરતીએ રંગમાળો.

આભ આખું ધરતીનો પર્યાય છે,

ચારે બાજુ પતંગો લેખાય છે.

મારા પતંગના સારવાના થાજો,

કહો વાયરાને મન મૂકીને વાજો.

સંબંધોના સરનામે જામવાની ઓર મઝા,

પડોશીના પતંગોને કાપવાની ઓર મઝા.

ખેંચીને કાપીશું, ક્યાંક ઝોલ નાખી રાખીશું,

ઢીલ છોડી સામેવાળાને હંફાવીશું.

પ્રેમપત્રો આકાશને લખાય છે,

કેવી ઉત્તરાયણ ઉજવાતી જાય છે.

જોને ધાબા પર થાય છે અવાજો,

કહો વાયરાને મન મૂકી વાજો.