મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2017 (17:32 IST)

મોંઘા ખંભાતી પતંગોની બજારમાં સૌથી વધુ માંગ

ખંભાતના પ્રાચીન વૈભવનો ઇતિહાસ ''કૌમારિકા ખંડ'' અને ''સ્કંધપુરાણ''માં આલેખવામાં આવ્યો છે. પ્રાચીનકાળથી જ ખંભાત વિશ્વના શ્રેષ્ઠ બંદર તરીકે જગવિખ્યાત બન્યું હતું. ખંભાતનું મીઠું, મીઠાઇ, તાળાં, મરી-મસાલા, પતંગ, અકીક, હીરા અને કાપડની માંગ વિશ્વના દેશોમાં હતી. પાંચમી સદીમાં વિશ્વનું પ્રથમ નંબરનું વ્યાપારી બંદર સમયાંતરે અખાતમાં કાંપ ભરાવાને કારણે દૂર ચાલ્યું ગયું. પરંતુ ખંભાતની ઓળખ આજે પણ ઐતિહાસિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રસિદ્ધ છે.

ખંભાતમાં પ્રાચીનકાળથી પતંગ ઉઘોગ પણ શોળે કળાએ ખીલ્યો છે. ખંભાતની ચુનારા કોમ બારેમાસ પતંગોનું નિર્માણ કરે છે. આજે પણ રાજ્યના ખંભાત, સુરત, અમદાવાદ અને નડિયાદ જેવા શહેરો ઉત્તરાયણની પરંપરાને જાળવી રાખવા કટીબદ્ધ છે. ખંભાતી પતંગોની વિશિષ્ટ ઓળખ આખાય ભારતનું આકર્ષણ છે. પતંગ બજારમાં સૌથી મોંધી પતંગ તરીકે ખંભાતી પતંગ ગણાય છે છતા પણ ખંભાતી પતંગોની સૌથી વધુ માંગ રહેલી છે. ખંભાતમાં પતંગ બનાવનાર કારીગરો દીવાળીના બીજા દિવસથી જ પતંગને આકાર આપવાનું શરૂ કરે છે. ખંભાતી કારીગરો પાવલા, ચાપટ, ચીલની સાથે સાથે વિવિધ ફિલ્મી કલાકારો, પ્રસિદ્ધ કંપનીઓનાં નિર્દેશ કરતી પતંગોનું મોટા પાયે નિર્માણ કરે છે.
ખંભાતની પતંગમાં રંગોનું સુંદર મિશ્રણ હોય છે. રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં ખંભાતી પતંગોના કાગળ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. ખંભાતી પતંગોની ઓળખમાં પતંગની મધ્યમાં વાંસના ઢઢ્ઢા ઉપર સિલ્વર રંગનું વિવિધ આકારનું કટીંગ ચોટાડવામાં આવેલું હોય છે. ખંભાતમાં પ્રાચીનકાળમાં પશુ-પક્ષીઓ, નવતર પ્રયોગાત્મક આકૃતિઓ, પ્રકૃતિના તત્વાના આકારના પતંગો બનાવી ઉડાડવામાં આવતા હતાં. ખંભાતમાં પણ રાજકોટની જેમ જુદા જુદા પ્રકારની તલ સાંકળી બનાવવામાં આવે છે. આ દિવસે ગૌભોજન, બ્રહ્મભોજન અને ગરીબોને દાન આપવામાં આવે છે. સુરત અને ખંભાતમાં ઉત્તરાયણને ઉજવવાની વિશિષ્ટ પ્રણાલી છે. જેમાં પતંગોના પેચ ઢીલ (શેરીયા)થી લડાવવામાં આવે છે. જો કોઇ ખેંચ મારે તો પછી.....ગાળા-ગાળ અને ઝગડાઓ થાય છે. જ્યારે અન્ય શહેરોમાં ઢીલ અને ખેંચના પ્રયોગ દ્વારા પેચ લડાવવામાં આવે છે.

ખંભાતની પતંગોની બનાવટમાં વપરાતો વાંસ ઓરિસ્સા અને વલસાડથી મંગાવવામાં આવે છે. ઉપરાંત જયપુર, સુરત અને દિલ્હીથી કાગળ મંગાવવામાં આવે છે. ખંભાતમાં પતંગ ઉઘોગમાં ચુનારા જ્ઞાતિની સાથે મુસ્લિમ લોકો પણ જોડાય છે. સર્વ ધર્મ સમભાવના પ્રતીક સમો આ તહેવાર ભાઈચારાને પ્રતિબિંબિત કરે છે.

ખંભાતમાં ઉત્તરાયણના દિવસોમાં ઠેર ઠેર પતંગ સ્ટોલો ઉભા કરવામાં આવે છે. ઉત્તરાયણ અને વાપી ઉત્તરાયણના દિવસોમાં પતંગોની જાહેરમાં હરાજી કરવામાં આવે છે. ખંભાતમાં મોટામાં મોટા પતંગોની કિંમત રૂ. 5000 થી રૂા. 10000 સુધીની હોય છે.