શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

ગુજરાત - વિકાસનું બેન્ચમાર્ક

P.R

મુખ્‍ય મંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ એવો અડગ વિશ્વાસ વ્‍યકત કર્યો છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ 2009 વિકાસની નવી ઉંચાઇ માટે ગુજરાતની શાખ, શક્‍તિ અને સામર્થ્યની પ્રતિતી કરાવવા માટેનું ગ્‍લોબલ પ્‍લેટફોર્મ બની રહેશે. વિશ્વ આખું મંદીના સકંજામાં ત્રસ્‍ત છે, એવા વિપરીત સંજોગો વચ્‍ચે, ગુજરાતે રોકાણકારો અને ઉઘોગ-વાણિજ્‍યના સંચાલકોને એક પ્‍લેટફોર્મ પુરું પાડયું છે. મંદીના માહોલમાંથી બહાર આવવા સૌ કોઇ તત્‍પર છે ત્‍યારે ગુજરાતનું આ અભિયાન મંદીના સંકટમાંથી બહાર આવવા માટેની નવી ચેતના અને સાચી દિશા બતાવશે એવું તેમણે જણાવ્‍યું હતું.

આગામી 12, 13 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ - 2009 ની ભૂમિકા અને કેન્‍દ્રવર્તી ઉદેશ્યોની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશ-વિદેશના વ્‍યાપક ફલકમાં સ્‍થાયી કંપની સંચાલકો, રોકાણકારો, વિકાસકારો અને વિદેશી સરકારો સહિત સૌનો અભૂતપૂર્વ ઉમળકાથી પ્રતિસાદ મળ્‍યો છે. માત્ર ગુજરાત સરકાર જ નહીં, ગુજરાતના ઉઘોગ-વેપારના પ્રતિષ્‍ઠિત અને નવોદિત, બધા જ સંચાલકો આ ઇવેન્‍ટને સફળ બનાવવામાં પુરી તાકાત સાથે સહભાગી બન્‍યા છે.

એશિયામાં આર્થિક શક્‍તિ અને ટેકનોલોજીના સામર્થ્ય સાથે વિકસેલું જાપાન જેવું રાષ્‍ટ્ર આ સમિટમાં કન્‍ટ્રી પાર્ટનર બની રહ્યું છે. આ ધટનાને ઐતિહાસિક ગૌરવ ગણાવતા તેમણે જણાવ્‍યું કે, કોઇ રાજ્‍યની આવી ઇવેન્‍ટમાં પહેલીવાર જાપાન જેવો દેશ અને તેની સરકાર પાર્ટનર બની છે. આ ધટના જ ભારતના ઔઘોગિક-આર્થિક જીવનમાં ઇતિહાસ સર્જનારી છે. વિવિધ દેશોના વાણિજ્‍ય પ્રતિનિધિમંડળો, સરકારોના ડેલીગેશનો અને ઉઘોગ કંપની સંચાલકોએ ભાગ લેવાની સહમતી આપી છે, આ હકિકત દર્શાવે છે કે, ગુજરાતની શાખ વિશ્વમાં કેટલી ઉંચી છે.

અગાઉની ત્રણેય ગ્‍લોબલ ઇવેન્‍ટે ગુજરાતના આર્થિક, ઔઘોગિક અને વેપાર-વાણિજ્‍યના કૌશલ્‍યની આગવી તાકાતની અનુભૂતિ કરાવી છે. આના પરિણામે ગુજરાતના પ્રશાસનતંત્રની કાર્યસંસ્‍કૃતિને વિશાળ દૃષ્‍ટિ, પારદર્શિતા, જવાબદારી સાથે સુસજ્જ બનવાનો અવસર મળ્‍યો છે અને ગુજરાતના ગુડ ગવર્નન્‍સની આગવી ઓળખ ઉભી થઇ છે.

મુખ્‍ય મંત્રીએ જણાવ્‍યું કે, ગુજરાત હવે સૌથી વધુ મૂડીરોકાણ, આંતરરાષ્‍ટ્રીય માળખાકીય સુવિધા વિકાસ, સૌથી વધુ પ્રોજેકટ અમલીકરણ અને ગુડગવર્નન્‍સ જેવી અનોખી ઓળખમાંથી પણ હરણફાળ ભરીને બહાર આવી ગયું છે. તાજેતરમાં બ્રિટનના હાઉસ ઓફ કોમનમાં જેટલા ઠરાવો થયા તેમાં સૌથી વધુ મત, વાઇબ્રન્ટ ગુજરાતની ગ્‍લોબલ ઇવેન્‍ટ અંગેના પ્રસ્‍તાવને મળ્‍યા હતા. ભારતમાં તો, ગુજરાત હવે પ્રમાણભૂત ‘‘વિકાસનું બેન્‍ચમાર્ક'' બની ગયું છે.