ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (14:55 IST)

દિવસે ઉત્તરાયણ ને રાત્રે દિવાળીઃ ગુજરાતીઓ અગાસીઓ ઉપર ધમાલ કરવા થનગની રહ્યા છે

બાળકોથી મોટેરાઓ જેની આતુરતાથી રાહ જોઇને બેઠા હોય છે તે મકરસંક્રાંતિ પર્વને આડે હવે એક જ દિવસ બાકી છે. યુવા હૈયાઓ પણ ‘પેચ' લડાવવા સજ્જ બન્‍યા છે. પતંગ, દોરાની ખરીદીઓ થઇ ગઇ છે. અમુક વર્ગ એવો પણ છે જે છેલ્લી ઘડીએ જ ખરીદી કરતો હોય છે. મકરસંક્રાંતિ પર્વને આડે હવે એક જ દિવસ બાકી હોય છેલ્લી ઘડીની ખરીદીનો દોર જામ્‍યો છે. પતંગ-દોરાની દરેક દુકાનોમાં ચિક્કાર ગીર્દી જોવા મળી રહી છે.

      આવતીકાલે સવારથી બાળકોથી માંડી મોટેરાઓ પોતપોતાના ધાબા-અગાસીઓ ઉપર પહોંચી જશે. પણ આજની જેમ કાલે પણ વ્‍હેલી સવારે ધુમ્‍મસ મજા બગાડે તેવી સંભાવના છે. જે હોય તે ગુજરાતીઓ કોઇપણ તહેવાર આવે તેને ઉજવવામાં સૌથી આગળ જ હોય છે. શોખીનો અગાસીઓ ઉપર સીડી પ્‍લેયરમાં નવા ફિલ્‍મી ગીતો સાથે પતંગ ઉડાડવાની મજા માણશે. બાળકો અને યુવાઓ તો આજે રાત્રીના જ પતંગોમાં કાના બાંધી લેશે. અમુક શોખીનો તો કાનાવાળી તૈયાર પતંગોની ખરીદી જ કરી લેતા હોય છે.

      શહેના આજે દિવસભર પતંગ, દોરાની દુકાનોમાં ઘરાકી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે દર વર્ષે રાત્રીના સમયે અહિંના પતંગરસીયાઓ ઉમટી પડતા હોય છે. અહિં ચાલવાની પણ જગ્‍યા હોતી નથી. કમાવવાનો આજે છેલ્લો દિવસ હોય તંત્ર દ્વારા સતામણી કરવામાં ન આવે તેવી ધંધાર્થીઓએ લાગણી દર્શાવી રહ્યા છે. તો પતંગ, દોરાની ખરીદીની સાથે અમુક લુખ્‍ખા તત્‍વો પણ ધંધાર્થીઓને હેરાન કરતા હોય છે આવા લોકોને પાઠ ભણાવવા પણ અપીલ કરી હતી.

      દરમિયાન આ વર્ષે પતંગોમાં કોઇ નોંધપાત્ર ભાવ વધારો નથી, પણ દોરામાં ૧૫ થી ૨૦ ટકા જેટલો ભાવ વધારો છે. રૂા. ૫ ના એક પંજાથી માંડી ૧૫૦ થી વધુ કિંમતોનો એક પંજો બજારોમાં મળી રહ્યો છે. દુકાનદારોને અમુક માલ ખલ્લાસ થઇ ગયો હોય અન્‍ય વેપારીઓએ તેવા માલના ભાવો પણ વધારો દીધા છે. ખંભાત, નડીયાદથી પતંગો આવતી હોય છે. જેમાં ખંભાતની પતંગો વધુ સારી હોવાનું વેપારી વર્તુળો જણાવે છે.

      કાલે સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ ગયેલું જોવા મળશે. દરેક અગાસીએથી ‘એ કાયપો છે..' ના નારા ગુંજતા સાંભળવા મળશે. પતંગોની સાથે ફુગ્‍ગાઓ પણ ઉડાડતા જોવા મળશે. નાનાથી માંડી મોટેરાઓ આ પર્વને આનંદ હર્ષોલ્લાસથી ઉજવશે. પતંગ ઉડાડવાની મજા માણવાની સાથોસાથ ચીકી, લાડુ, જીંજરા, બોર, શેરડી, ઉંધીયાની પણ ઝયાફત માણશે. મોડી સાંજ સુધી આવા જ દ્રશ્‍યો જોવા મળશે. છેલ્લા કેટલાક વર્ષોથી સાંજના સમયે પતંગરસીયાઓ દ્વારા આતશબાજી કરી મકરસંક્રાંતિને બાય બાય પણ કરવાનું ચલણ વધ્‍યું છે. તો રાત્રીના સમયે ફાણસ ચગાવતા પણ જોવા મળશે. આમ આખો દિવસ અને રાત્રીના સમયે પણ આકાશ રંગબેરંગી જોવા મળશે.