શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: શનિવાર, 20 ડિસેમ્બર 2014 (16:33 IST)

દુનિયાને આંજી દેવા ગુજરાત સરકાર થઇ વાઈબ્રન્ટમય!

ગુજરાત સરકાર દ્વારા આગામી ૧૧મીથી ૧૩મી જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં યોજાનારા વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે અને આ સમિટિ કેન્દ્રમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાઈબ્રન્ટમાં હાજરી ને લઈને અત્યાર સુધીની સમિટિ કરતા સૌથી વધુ મહત્વની હોઈ આ સમિટને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી તમામ ખાતાના મંત્રીઓ અને અધિકારીઓ સહિત પુરી સરકાર તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ વાઈબ્રન્ટ સમિટને પગલે પુરી સરકાર વાઈબ્રન્ટ મોડમા આવી ગઈ છે પરંતુ તમામ વિભાગોમાં સરકારી કામો પેન્ડિંગ હાલતમાં ઠપ્પ સ્થિતિમાં પડી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૩થી ગાંધીનગર ખાતે દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટ નામની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેન્સ્ટર સમિટ યોજવામા આવે છે. ત્યારે આગામી ૧૧મીથી ૧૩મી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સાતમી વાઈબ્રન્ટ સમિટ એન્ડ એક્ઝિબિશન યોજાનાર છે અને આ વખતે સરકાર દ્વારા આ સમિટનું  ખાસ ગ્લોબલ બિઝનેસ હબના નામથી માર્કેટિંગ કરવામા આવ્યું છે.મહત્વનું છે કે આ વખતની સમિટ અત્યાર સુધીની સમિટ કરતા સૌથી વધુ મહત્વની છે કારણકે અત્યાર સુધીની ૬ સમિટમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશના ઉદ્યોગપતિઓને આવકારતા હતા અને હવે કેન્દ્રમાં પણ ભાજપ સરકાર સાથે વડાપ્રધાન પદે નેરન્દ્ર મોદી હોવા સાથે પીએમ તરીકે તેઓ ખાસ વાઈબ્રન્ટમાં આવીને દુનિયાના તમામ દેશોને આવકારી આંજી દેવા માગે છે. જેથી આ સમિટને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ લાગી ગઈ હોઈ  દેશભરમાં રોડશો અને પ્રેઝન્ટેશન થી માંડી સ્ટેટ મીટિંગ સહિતની એકટિવિટિઝ સાથે માર્કેટિંગમાં લાગી ગઈ છે.

આ વાઈબ્રન્ટ સમિટમાં  વિવિધ દેશોના ડેલિગેશનથી માંડી ઉદ્યોગપતિઓને લાલ જાજામ પાથરવા અને તેમની આગતાસ્વાગતા માટેની તૈયારીઓમાં વિવિધ વિભાગના મંત્રીઓથી માંડી,સેક્રેટરીઓ,અધિકારીઓ સહિત કર્મચારીઓ લાગી ગયા  છે અને એમ કહીએ કે વાઈબ્રન્ટ સમિટના આયોજનમા હાલ પુરી સરકાર કામે લાગી ગઈ છે.ત્યારે આમ રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટને પગલે પુરી રીતે વાઈબ્રન્ટ મોડમા હોવા સાથે વાઈબ્રન્ટ મુડમા આવી ગઈ છે પરંતુ બીજી બાજુ સરકારના વિવિધ વિભાગોના સરકારી કામો ઠપ્પ હાલતમા મુકાઈ ગયા છે.

બે મહિનાથી સરકારમાં શિક્ષણ વિભાગ,નાણા વિભાગ,ગૃહવિભાગ તેમજ સામાન્ય વહિવટ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં અનેક કામો પેન્ડિંગ પડયા હોઈ સરકારી કામો ઠપ્પ હાલતમાં છે.મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ માત્ર વાઈબ્રન્ટના જ કામમાં લાગેલા હોઈ સરકારી કામોની ફાઈલો જોવા અને તેના કામના અમલ માટે સહિ કરવાનો પણ હાલ મંત્રીઓ અને અધિકારીઓને ટાઈમ નથી.જીપીએસસી અને તલાટીથી માંડી શિક્ષકોની ભરતી તેમજ કર્મચારીઓની બદલી અને નાણા વિભાગની  ગ્ર્રાન્ટ તથા યુનિવર્સિટીઓને જમીન ફાળવણી સહિતના અનેક કામો હાલ પેન્ડિંગ છે ત્યારે  હાલ કોઈ પણ વિભાગના અધિકારીને ફોન કરવામા આવે ત્યારે તેઓ કહે છેકે હવે બધુ વાઈબ્રન્ટ સમિટ બાદ  થશે. આમ બે મહિના કરતા વધુ સમયથી પેન્ડિંગ સરકારી કામો હજુ પણ વાઈબ્રન્ટ સમિટ બાદ એટલે કે એક મહિના બાદ જ હાથ પર લેવાય તેવી શક્યતા છે.