શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2015 (18:00 IST)

શું મહિલાઓનું શોષણ માત્ર બળાત્કારથી જ થાય છે?

બળાત્કાર થાય એટલે મહિલાનું જાણે કે ભયાનક શોષણ થઈ ગયાનું માનવામાં અને ચર્ચવામાં આવે છે, વાત ગાઈ-વગાડીને કહેવા-સાંભળવામાં આવે છે, પણ આખી ઘટના વારંવાર એની એ, એની એ વાત કહ્યા કરવાથી વારંવાર એ મહિલા પર માનસિક બળાત્કાર કરવા જેવી વાત છે, વારંવાર તેનું માનસિક શોષણ કરવા જેવી વાત છે એ કોઈ સમજતું નથી. વળી મહિલાનું શોષણ માત્ર બળાત્કારથી જ થાય છે? જવાબ છે, ના. બીજી અનેક રીતે મહિલાને પ્રતાડિત કરવામાં આવે છે. આવો આપણે એ બાબતો પર નજર કરીએ.

છોકરીઓ થોડી મોટી કે સમજણી થવા લાગે એટલે એને સતત કહેવામાં આવે છે કે, ‘સારી છોકરી આવી હોય છે, સારા ઘરની છોકરીઓ આવી રીતે વાત ન કરે, સંસ્કારી છોકરીઓ મોટે મોટેથી હસે નહીં, મોટા અવાજે બોલે નહીં, પેલા છોકરો નઠારો છે એની સાથે વાત ન કરીશ...’ વગેરે, છોકરી વધુ મોટી થાય એટલે વારંવાર એને સંભળાવવામાં આવે કે ‘આ શું આવું રાંધ્યું છે, કોણ ખાશે?, આ શું પહેર્યું છે?... તું કશા કામની નથી..., એક કામ તારાથી સરખું થતું નથી’ અથવા ‘છોકરા તને છેડે કેવી રીતે... તારી જ ભૂલ છે, કાલથી તારું કૉલેજ જવાનું બંધ કરવું પડશે. હવે તારા લગ્ન કરવા પડશે, બહુ બોલવાનું બંધ કર... સંસ્કાર છે કે નહીં તારામાં...’ વગેરે વાતો કહી છોકરીને અને પછીથી વહુને સંસ્કાર, સભ્યતા, ખાનદાનના નામે કોણ જાણે કેટકેટલું સંભળાવવામાં આવે છે, શિસ્ત અને આજ્ઞાપાલનના નામે પણ બીજું ઘણું સંભળાવાતું હોય છે અને એમ સંભળાવીને સતત ઉતારી પાડવામાં આવે છે. આપણને ખબર નથી પણ આ બાબતો પુષ્કળ માનસિક ત્રાસ આપે છે, એ પણ એક રીતે બળાત્કાર જ છે. કેટલું યોગ્ય કે કેટલું વિના કારણનું છે એ કશું જાણ્યા-સમજ્યા-તોળ્યા વિના આપણે અનેક સલાહો છોકરીઓને આપીએ છીએ. આ સલાહ આપનારા સૌથી મોટા શોષણકર્તા છે.

ક્યારેક મહિલાને ઘરનો ઊંબરો ઓળંગી બહાર જતી રોકવી, ક્યારેક સંસ્કારના નામે સંખ્યાબંધ બંધનોમાં બાંધી દેવી, એની વિસ્તરતી પાંખોને કાપી નાખી એને સલામતીનો ખોટો અહેસાસ આપવો તો ક્યારેક કોઈ માસૂમ પર ખરાબ નજર રાખવી, રસ્તામાં જતા-આવતા મહિલા પર ગંદી કમેન્ટ કરવી, ક્યારેક દહેજના નામે જીવતી બાળી મૂકવી, ક્યારેક ગર્ભમાં જ એને મારી નાખવી, ભૂલથી જો ક્યારેક જન્મી જાય તો પછીથી તેના પર અત્યાચાર કરવો..., શોષણનું કોઈ માપ નથી હોતું કે કોઈ સ્તર નથી હોતું. શોષણની કોઈ જાતપાત નથી હોતી. શોષણ એ શોષણ છે, શોષણ છે અને શોષણ જ છે, જે મન પર કેટલાય છાનાં, અસંખ્ય ઘા-જખમ-ડાઘ મૂકી જાય છે અને મહિલા એનો સામનો કરી શકતી નથી.

બળાત્કાર જઘન્ય અપરાધ છે, આજે પણ એ સમાજમાં ભયાનક સ્વરૂપમાં ફેલાઈ રહ્યો છે એ ખરું, પણ એ સિવાય પણ બીજા એવા અપરાધો છે જેના દ્વારા મહિલા પીડિત થતી રહે છે. દાખલા તરીકે ઘર-કુટુંબમાં પતિ દ્વારા દરેક વાતે ટોણો મારવો, જમવાના સમયે ખાવાનું પીરસતા વાર થઈ જાય તો થાળી ઉપાડીને ફેંકી દેવી, પત્નીએ કશું પૂછતા ઊલટા જવાબ આપવા, પત્નીને અકુદરતી સેક્સ માટે બળજબરી કરવી વગેરે પણ સતામણી-શોષણ-દમન છે. ઉપરાંત ઘરની દીકરી પોતાનો મત વ્યક્ત કરે તો એને ચૂપ કરી દેવી, એનાં પહેરવા-ઓછવાથી માંડીને એના હરવા-ફરવા અને હસવા-બોલવા સુધી ટોક્યા કરવી, બંધનો લાદવા જેવી બાબતો એવી છે કે જે કોઈ પણ છોકરીને માનસિક રીતે પ્રચંડ ત્રાસ આપે છે, કારણ કે આ બાબતોથી એના માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચે છે.