નવું વર્ષ..નવી આશાઓ..નવા ઉમંગો..નવો ઉત્સાહ...નવા લક્ષ્ય અને નવા પડકારો. આ બધાનું પરિણામ પરિવર્તન અને પુનરાવર્તન વચ્ચે આવી જાય છે. વ્યક્તિની ગતિ હંમેશા અંધકારથી ઉજાસ તરફની હોય છે. પરંતુ ક્યારેક ઉજાસના ભ્રમમાં વ્યક્તિ દિગ્ભ્રમિત થઈ જતો હોય છે, દિશા પણ ભૂલી જતો હોય છે. પરંતુ અમૃતને પામવા માટે અસફળતાના ઝેરનું સમુદ્ર મંથન કરવું પડે. આ મંથનમાંથી પેદા થયેલું સફળતાનું અમૃત પરિવર્તનો લાવે છે. અહીં રાજકીય વાત નથી પરંતું લોકમાનસના પરિવર્તનનું કહેણ છે.
2012ના નવ વર્ષમાં રાજ્ય, દેશ-દુનિયા સામે ઘણાં પડકારો સાથેની ઘણી મોટી સંભાવનાઓ છે. વિશ્વ સામે મહામંદીનો ઓછાયો મોઢું ફાડીને ઉભો છે, તેની અસર ભારત સહીતના દેશો પર થવાની વાત ચર્ચામાં છે. શેરબજારમાં ચઢાવ-ઉતાર સાથે લોકાના મનમાં અપાર આશંકાઓ છે.
વૈશ્વિક પરિદ્રશ્યમાં અમેરિકા અને પાકિસ્તાનના વણસી રહેલા સંબંધો દક્ષિણ એશિયામાં વાતાવરણ કલુષિત કરે તેવી પણ સંભાવના છે. ભારતમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સાથે ચીનના આક્રમક વલણ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં સ્થાનિક સ્તરે વિકાસનું વાતાવરણ છે. આ વિકાસનું વાતાવરણ 2012ના વર્ષમાં પણ આગળ વધશે.
મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે લોકોની પીડા - આસમાનને આંબતી મોંઘવારીનો દર હવે નીચે આવ્યો હોવાના સરકારી આંકડા છે, પણ જનતાને હજી તેનો અનુભવ થયો નથી. ભ્રષ્ટાચારના મુદ્દે દેશમાં આંદોલન ઉભું થયું છે અને અણ્ણા હજારે લોકપાલ બિલની માગણી સાથે નવા વર્ષમાં આંદોલનો કરવાના છે. સંસદના બજેટ સત્રમાં લોકપાલ બિલ પારીત કરાવવા માટે પ્રયાસો થવાના છે. પરંતુ સવાલ એ છે કે શું દેશને મોંઘવારી અને ભ્રષ્ટાચારથી છૂટકારો મળશે? અણ્ણાનું આંદોલન સરકારને મજબૂત લોકપાલ બિલ પારીત કરવા માટે બાધ્ય કરશે? આ બઘાં પ્રશ્નોનો જવાબ 2012માં મળશે.
ભાજપ માટે વિકાસ કમાઇ લેવાનો અવસર - ગુજરાતમાં 2012માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાત વિકાસની દોડમાં છેલ્લા એક દસકાથી અગ્રિમ સ્થાને છે. આર્થિક સમૃદ્ધિ, નવી વિકાસ યોજનાઓ વચ્ચે સદભાવના મિશન પર રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ માટે વિકાસ કમાઈ લેવાનો અવસર છે. આ વર્ષે ગુજરાતમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટી, કલ્પસર યોજના અને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલવે પ્રોજેક્ટ ટેક ઓફ થશે. મોદીના મુખ્યમંત્રી પદની હેટ્રીક સર્જાય છે કે કોંગ્રેસને 22 વર્ષ પછી ખુરશી મળે છે તેનો મદાર મતદારો ઉપર નિર્ભર છે.
કોંગ્રેસ સંપીને ચૂંટણી લડે તો ફાયદો થઇ શકે- ફેબ્રુઆરી અને માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન પૂર્ણ થશે અને 3 માર્ચે પરિણામ સામે આવશે. આ ચૂંટણીમાં અણ્ણા ઈફેક્ટને કારણે કોંગ્રેસ માટે કપરાં ચઢાણ લાગી રહ્યા છે. આ સિવાય ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસની પ્રાદેશિક નેતાગીરી એક બનીને ઉપર ઉભરી આવે તો તેમના માટે સત્તાના યોગ નકારી શકાય નહીં, જો કે મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા અંગે મતદારોનો મત પડ્યો નથી.
નવા વર્ષ 2012માં લોકોનું ભવિષ્ય કેવું રહેશે- જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટીએ 2012નું વર્ષ પડકારોનું બની રહેશે. વિશ્વમાં આતંકની ઘટનાઓ બને, કુદરતી સાથે માનવ સર્જીત આપત્તિઓ સર્જાય. ભારતમાં રાજસત્તા અસ્થિર બનવાના યોગ છે જ્યારે ગુજરાતમાં ચોમાસાના બે મહિનામાં ખૂબ વરસાદ પડશે. શેરબજાર માટે મંદીનું વર્ષ છે. ફેબ્રુઆરી થી એપ્રિલમાં મંદી ચરમસીમાએ પહોંચે પરંતું વર્ષના અંત સમયમાં તેજીનો ચમત્કાર થઇ શકે છે. લોકો માટે ઉચાટ અને ઉત્તેજનાનું વર્ષ છે.
બિઝનેસના ચઢાવ-ઉતાર,મંદી પછીની તેજી!! - વેપાર-ધંધા અને અર્થતંત્રની વાત કરીએ તો બેડ-પોલિટિક્સનો માહોલ આર્થિક તંદુરસ્તીને ક્યારેય માફક આવતો નથી. સ્કેમ કે બાદ સ્કેમના કળણમાં ખૂપેલી સરકાર આજની આર્થિક અવદશા માટે બેશક જવાબદાર કહી શકાય. ઓફ કોર્સ, વૈશ્વિક સ્લો-ડાઉને અહીં ભાગ ભજવ્યો છે. પરંતુ સરકારની ઉદાસિનતા કે નિષ્ક્રિયતા સૌથી વધારે નડી છે. થયું તે થયું પણ હવે શું? 2012ના પ્રથમ 4-6 મહિના કસોટીના હોઈ શકે છે, પરંતુ અંતે યુ-ટર્ન આવશે જ. કેમ કે આ દેશનો આર્થિક વિકાસ રાજકારણીઓનો ઓશિયાળો નથી. સરકારો તો આવશે ને જશે, દેશના લોકો, ઔદ્યોગિક સાહસિકો અર્થતંત્રને ધબકતું રાખશે. 2012 બેશક બહેતર હશે.
હવે થશે રોટી, કપડાં અને મકાનની લડાઈ- ચૂંટણીના ચમત્કાર અને વેપારના અજંપા વચ્ચે આમ આદમીની રોટી, કપડાં અને મકાન માટેની લડાઈ તો ચાલુ જ રહેશે. આ લડાઈ ગત વર્ષો કરતાં હાલના વર્ષોમાં વધારે અઘરી બની છે. 2012 પણ આમ આદમી માટે એ લડાઈને આગળ વધારવાનું વર્ષ છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે આમ આદમીના રોટી, કપડાં અને મકાન પર ભરડો લીધો છે. પરંતુ જનતાનો આક્રોશ આ ભરડાને હટાવવા માટે પુરતો સાબિત થશે.