ભારે ઉમંગ અને આશાવાદ વચ્ચે આરંભાયેલું વર્ષ-2011 ગજબની ગમગીની સાથે વિદાય થયું છે. બજારે બધાયને ખોટા પાડ્યા છે. વર્ષારંભે લગભગ તમામ બજાર વિશ્લેષકો અને બ્રોકરેજ હાઉસ ડિસેમ્બરના અંતે 21000થી 24000નો સેન્સેક્સ અંદાજતા હતા. માર્કેટ ઉલટું 25 ટકા ગગડી 15450 આસપાસ બંધ આવ્યું છે. વર્ષે-2010 માં FII કે ધોળિયાઓ આપણા શેરબજાર ઉપર ઓળઘોળ હતા. તેમનું ચોખ્ખું રોકાણ રૂપિયા એક લાખ કરોડને આંબી ગયું હતું. આ વેળા મામલો ઉધારીમાં પુરો થયો છે. નહીં તોયે તેમણે રૂ.2500-3000 કરોડની રોકડી કરી લીધી છે. રિલાયન્સ, તાતા સ્ટીલ, ભેલ, લાર્સન, ICICI બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી, મારૂતિ, સુઝુકી, તાતા પાવર સહિતના અસંખ્ય બ્લુચિપ કે લગડી શેર બરાબર રગદોળાયા છે અને ખરાબી હજી અટકવાનું નામ નથી લેતી. સાદી ભાષામાં કહીએ તો ચાર આંકડાવાળી જાતો ત્રણ આંકડે ને ત્રણ આંકડાવાળી ચીજો બે આંકડે મળવા માંડી છે. પરંતુ લેનારા મળતા નથી. ટ્રસ્ટ અને ટ્રીગરનો આવો અભાવ તો 2008ની સબપ્રાઈમ ક્રાઈસીસ વખતેય પણ નહોતો. શેરબજારના કામકાજમાં ડીલીવરીનું પ્રમાણ બે ટકાની પણ નીચે ચાલી ગયું છે. આ સ્થિતિ માટેના કારણો ઘણા જાણીતા છે. પશ્ચિમી વિશ્વની ડેટ ક્રાઈસીસની પીડા, વ્યાજદર તથા ફુગાવાની વિમાસણ તેમજ ઘરઆંગણે આર્થિક સુધારા આગળ વધારવામાં સરકારની ઉદાસીનતા તેમાં મુખ્ય છે.
જો હુઆ સો હુઆ, અબ ક્યા ? વેલ, આ સ્થિતિ રાતોરાત કે ગણતરીના દિવસોમાં બદલાવાની નથી. ખરાબી કે મંદીનું ઝેર નીચોવાતા સમય લાગશે. ડિસેમ્બર ક્વાર્ટરના કોર્પોરેટ રીઝલ્ટસ પાસે સારાવાટની કોઈ આશા નથી. યુ.એસ.-યુરોઝોનના અર્થતંત્રની કથળેલી હાલતના કારણે ત્યાંના રોકાણકારો / ફંડો નવું રોકાણ કરવાના બદલે બને તેટલી રોકડી કરવાના મૂડમાં છે. રિડમ્પશનના આ પ્રેશરથી ભારત સહિતના ઈમર્જીંગ શેરબજારો / મુડીબજારો તનાવમાં સપડાયા છે. ફુગાવો ઘટાડાતરફી બન્યો છે. પરંતુ ધિરાણદરોમાં 20 મહિના પહેલાની સ્થિતિ પાછી આવતા વાર લાગશે. કેમ કે આ ગાળામાં વ્યાજદર 13 વખત વધ્યા છે. જીડીપી ગ્રોથ રેટ 8 થી 8.5 ટકાનો રહેવાનો અંદાજ ક્યાંય હવાઈ ગયો છે. આ વેળાનો વિકાસદર સાતેક ટકાની આસપાસ હશે તે લગભગ પાકું છે. રાજકોષિય ખાધ જીડીપીના સાડા ચાર ટકાના બદલે પાંચ કે સાડા પાંચ ટકા અપેક્ષિત છે. એટલે કે બજેટ વાસ્તવમાં ગ્રોથ ઓરિએન્ટેડ હોય તેવી શક્યતા નહીંવત છે. આર્થિક વિકાસને નવું જોમ આપવા તેના ચાલકબળ સમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે જરૂરી નાણાંકીય ભંડોળ ક્યાંથી લાવવું એ આજનો પ્રાણ-પ્રશ્ન છે. આ બધાંનો અર્થ એ થયો કે 2012નો પૂર્વાર્ધ ખાસ કરીને એપ્રિલ સુધીનો ગાળો કપરા ચઢાણનો હશે. જેમાં શેરબજાર 12000 થઈ શકે છે. નિફ્ટી 4000નું બોટમ પણ બતાવી શકે છે. આ લેવલ વર્તમાન ટ્રેન્ડનું પ્રતિક છે, તેને જડતાથી કે અક્ષરશઃ લેવાની જરૂર નથી. ભારે મુંઝારો, વ્યાપક અજંપો અને વિશ્વાસના સદંતર અભાવમાં કોઈપણ લેવલ આવી શકે છે. શેરબજારમાં રોકાણ માટે હાલનો સમય સારો નથી. પરંતુ ખરેખર સારો સમય હવે પછી આવવાનો છે ! બેટર ટુ બાય લેટર !! અને.. આજની આ સ્થિતિ જ બજારની તાકાત બનવાની છે. ખરાબી ગમે તેવી હોય તેનો ક્યાંક તો અંત હોવાનો જ. જ્યારે તમે સુધારા કે સારાવાટ માટે તમામ પ્રકારની આશા છોડી દો છો ત્યારે નાનામાં નાના સમાચાર કે સંકેત જાદુનું કામ કરી જાય છે. વર્ષ-2012માં નવું ટ્રીગર સંભવતઃ અમેરિકા બનશે. ઘરઆંગણે યુપીએ સરકારે વહેલા-મોડા આર્થિક એજન્ડાને અગ્રતાક્રમ આપવો જ પડશે. આ 2012 માં થઈ શકે છે. અમારા સુત્રોના મતે વર્ષ-2012નો ઉત્તરાર્ધ યુ-ટર્નનો હશે, વર્ષાન્તે શેરબજાર 19-20ની આજુબાજુ રમતું હશે. યાદ રાખો જે વસ્તુ જેટલી ઝડપથી પડે છે તે તેના કરતાં બમણા વેગથી બાઉન્સ બેક થાય છે. કોઈપણ તેજી કે મંદી આખરી હોતા નથી. આજે મંદી છે, આવતીકાલ તેજીની હશે, હશે ને હશે જ..