મૃંબઈ. હાલમાં નવી દિલ્હી ખાતે વિલ્સ ફેશન શોમાં રેમ્પ ઉપર કેટવોક કરવા ઉપરાંત પોતાનું ગીત પણ રજૂ કરનાર શ્રુતિ હાસન કમલ હાસન અને સારિકાની પૂત્રી છે. માંડ વીસ વર્ષની ઉંમરે તે બધું જ એક સાથે કરીને સફળતા મેળવવા બેચેન છે. દરેક ક્ષેત્રે પોતાની જાતને પુરવાર કરવા માગે છે. મુંબઈમાં તેણે ડી-રોક ગિગ ખાતે પોતાનો પોપ કાર્યક્રમ પણ આપ્યો હતો. શ્રુતિ કહે છે કે, ફેશન ડિઝાઈનર રેહાન્ને તેની મિત્ર હોવાથી તેણે તેના માટે કેટવોક કર્યું હતું. તે ઉપરાંત તેને સવ્યસાચી અને પોલ ગોલ્ટિયરની ફિજાઈનો પણ ગમે છે.
શ્રુતિને ૧૬ વર્ષની ઉંમરે એક ફિલ્મમાં અભિનયની ઓફર મળી હતી. પરંતુ શ્રુતિએ તે ઠુકરાવી દીધી હતી. કારણ કે, તે માને છે કે, પુખ્ત બન્યા પહેલાં બોલીવુડમાં સફળતા મેળવવી નુકસાનકારક છે. વળી તે ૧૬ વર્ષની ઉંમરે ૨૦ વર્ષની યુવતીની ભૂમિકા કરવા તૈયાર નહોતી. મમ્મી અને પિતા બંને અભિનયમાં હોવાથી તેને અભિનેત્રી બનવાની ઈચ્છા તો બચપણથી જ હતી, પરંતુ તે પુખ્ત બન્યાં પછી અને અન્ય વિકલ્પોમાં પણ હાથ અજમાવી લીધા પછી જ અભિનયમાં કેન્દ્રિત થવા માગે છે.
તે કહે છે કે, સફળતા મેળવી લીધા પછી પણ ૪૦ વર્ષની ઉંમરે હિરોઈનની ભૂમિકાઓ બંધ કરી દેશે. વળી તેને સૌથી વધુ રસ સંગીતમાં છે, એટલે ફિલ્મોમાં પણ સંગીતને મહત્ત્વ અપાવવા પ્રયત્ન કરશે. તેને કમલ હાસન દરેક વાતે પ્રોત્સાહન આપે છે, અને માતા દરેક વાતે માર્ગદર્શન કરે છે.
|