મુંબઇ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વઘુ એક વખત આજે પોસ્ટરનો સહારો લઈને પરોક્ષ રીતે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને નિશાન બનાવ્યાં હતાં. બીગ બીએ તાજેતરમાં જ પુના જિલ્લામાં ખેડુતોને પોતાની જમીન દાનમાં આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને તેને લઈને મનસેએ તેમની મજાક ઉડાવી હતી.
જ્યારે રાજ ઠાકરેના આ પક્ષે પોસ્ટરમાં બીગ બીનું સીધું નામ લખ્યું ન હતું, પરંતુ આ પોસ્ટર પરના લખાણ પરથી કોઈ પણ વ્યક્તિ સમજી જાય કે બીગ બીની મજાક ઉડાવવા માટે જ આ પોસ્ટર મુકવામાં આવ્યું હતું.
દાદર વિસ્તારમાં આ કાર્ટુન પોસ્ટર બુધવારે રાત્રે મુકવામાં આવ્યું હતું પરંતુ ગુરૂવારે સવારે જોવા મળ્યું ન હતું. મનસેએ દાવો કર્યો છે કે પોલિસે આ પોસ્ટરો હટાવ્યાં છે. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે મારું દાન પાછું આપો. તેની નીચે સુપરસ્ટાર ખેડુત લખવામાં આવ્યું હતું.
મનસેના પ્રવક્તાએ બીગ બીની મજાક ઉડાવવા માટે આ પોસ્ટર મુકવામાં આવ્યું હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે અમને તો આ વાતની ખુશી છે, કારણ કે જો સુપરસ્ટાર ખેડુત બને તો તે સુચવે છે કે ભારતમાં ખેડુતોનું ભવિષ્ય ઉજ્જવળ છે. કદાચ તેનાથી આત્મહત્યા કરનારા ખેડુતોની સંખ્યામાં પણ ઘટાડો થશે.
અમિતાભે પુના વહિવટીતંત્રને પત્ર લખીને જણાવ્યું હતું કે ખેડુતોને તેમની જમીન દાનમાં આપવાના તેમના નિર્ણયને તેઓ પાછો ખેંચે છે. આ પહેલાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આરોપ મુક્યો હતો કે બીગ બીએ મહારાષ્ટ્ર કરતાં ઉત્તરપ્રદેશ માટે વધુ યોગદાન આપ્યું છે.
|