ભુજ. દેશભરમાં ચર્ચા જગાવનાર ''લગાન'' ફિલ્મના નિર્માણ સમયે કચ્છના ચિંકારા શિકાર મામલે નોટિસો પાઠવીને થાકેલા કચ્છના વન તંત્રે આખરે કોર્ટમાં ફરિયાદ નોંધાવતાં અદાલતે ફિલ્મ અભિનેતા આમિરખાન તેની પૂર્વ પત્ની અને આસિસ્ટન્ટ પ્રોડયુસર રીના દત્તા તેમજ લગાનની ડાયરેકટર આશુતોષ ગોવારિકર સહિત પાંચ જણ સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
કુનરિયા ખાતે વર્ષ 2000ની સાલમાં નિર્માણ પામેલી "લગાન" ફિલ્મમાં જંગલ ખાતાની પરવાનગી વગર ચિંકારાનો ઉપયોગ અને તેનો શિકાર થયો હોવાની ફરિયાદ ગીર નેચરલ કલબે જંગલ ખાતાને કરતા વનખાતાએ લગાન ફિલ્મના અભિનેતા આમિર ખાન તથા ડાયરેકટર આશુતોષ ગોવારિકરને વારંવાર નોટિસો પાઠવી હતી. છતાં પાંચમાંથી એક પણ આરોપીએ યોગ્ય જવાબ આપ્યો ન્હોતો.
નોટિસો પાઠવીને થાકેલા કરછના વન ખાતાએ ગુરુવારે ભુજની ચીફ જયુડિશ્યલ કોર્ટમાં આમિર ખાન, અને તેની પૂર્વ પત્ની રીના દત્તા અને ડાયરેકટર આશુતોષ ગોવારિકર તેમજ પ્રોકશન મેનેજર શ્રીબેલે શ્રીનિવાસ રાવ અને અનિલ મહેતા વિરુદ્ધ વનખાતાની ચિંકારા શિડયુલ એકટ, પ્રાણીનો શિકાર કરવો તેમજ વાહતુક હેરફેર કરવી અને વન્યજીવોને ખલેલે પહોંચાડવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.
કરછના મદદનીશ વન સંરક્ષક જે.વી. વ્યાસે ફોરેસ્ટ ખાતાની વિવિધ કલમો તળે નોંધાવેલી ફરિયાદના આધારે અદાલતે પાંચેય શખ્સો સામે પાંચ હજારનું જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ કેસમાં કોઈપણની સામે ચિંકારા શિકાર કે તેની હેરાનગતિનો કેસ સાબિત થશે તો તેમને ત્રણથી સાત વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. ગોવારિકર સામે "જોધા અકબર''નો પણ વિરોધ છે ! - હિન્દી ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર પહેલા "લગાન" ફિલ્મમાં શિકાર અંગે વિવાદમાં ફસાયા બાદ તાજેતરમાં જ તેમની સામે "જોધા અકબર'' અંગે દેશભરમાંથી વિવાદનો વંટોળ ઉઠયો હતો અને હવે ચિંકારા મામલે તેમની સામે વોરંટ ઇશ્યૂ થયો છે. આમિરખાન પણ નર્મદા મામલો હોય કે વિદેશી મહિલા સાથેનું પ્રેમ પ્રકરણ તે પણ વિવાદમાં રહયો છે.
|