મુંબઇ. અંદાજે 11 મહિના પહેલા એક્તા કપૂરના બાલાજી કેમ્પને બાય બાય કહેનારી સ્મૃતિ ઈરાની ઉર્ફે તુલસી ફરીથી એક્તાનો સાથ પકડી રહી છે. ક્યુંકિ સાંસ ભી કભી બહુ થીની ઓરીજીનલ તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની ફરી પાછી તુલસી બનવા જઇ રહી છે.. આ વાત જાણી સ્ટાર પ્લસના દર્શકો ગેલમાં આવી ગયા છે.
બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટીવ ડાઈરેક્ટર એક્તા કપૂર અને અનુપમા મનદોઈ, સ્ટાર પ્લસના વરિષ્ઠ ક્રિએટીવ ડાઈરેક્ટરે ગઈ કાલે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે સ્મૃતિ સીરીયલમાં પાછી ફરી રહી છે. મુંબઇ ખાતે એક્તાએ પત્રકારોને જણાવ્યું કે, સ્મૃતિ ક્યુંકિ સાંસ ભી કભી બહુ થીના વિરાણી પરીવારમાં ફરી પાછી મહત્વનો ભાગ બનીને આવી રહી છે.
આ બાબતે અનુપમાએ જણાવ્યું કે, સ્મૃતિ સાથે અમારા લાંબા ગાળાના સંબંધો છે. તેના પાછા ફરવાની અમને બધાને ખુબ જ રોમાંચ છે. તુલસીના પાત્રને આટલુ ખ્યાતનામ બનાવવામાં સ્મૃતિનો સિંહફાળો છે. અમે તેના પાછા ફરવાની રાહ જોઈએ છીએ. સ્મૃતિ સાથેના તેના વિખવાદો અંગે સ્પષ્ટતા કરતા એક્તાએ કહ્યું કે તુલસી તરીકે સ્મૃતિને પાછા લાવવું એ ખુબ જ આનંદીત બાબત છે. આ સીરીયલ સતત ટોચ પર રહેલી છે. કારણ કે સીરીયલના દર્શકોને તુલસીમાં અને આ સીરીયલમાં વિશ્વાસ છે. મને ખુશી છે કે મારા અને સ્મૃતિના બન્નેના હ્રદયની ખુબ જ નજીક એવી આ સીરીયલમાં સ્મૃતિના આવવાથી અમને બન્નેને હવે સાથે કામ કરવાની તક મળશે.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાય વખતથી તુલસીની ભૂમિકા ગૌતમી કપૂર કરી રહી હતી. એ બાબતે અનુપમા જણાવે છે કે ગૌતમી અને સ્મૃતિ બન્નેએ ખુબ સારુ કામ કર્યુ છે. બન્ને વચ્ચે કોઈ પણ પ્રકારની હરિફાઈ કરવી એ સારી બાબત ગણાશે નહીં. ગૌતમીએ તેની રીતે ખુબ સારુ કામ કર્યુ છે.
|