મુંબઇ. આમિર ખાને તેના ઘરમાં એક કૂતરો રાખ્યો છે અને શાહરૂખ સામે ગુસ્સો ઠાલવવા તેણે આ કૂતરાનું નામ જ શાહરૂખ રાખી દીધું. જો કે આમિર અને શાહરૂખ ખાન વચ્ચેનું શાબ્દીક યુધ્ધ બોલિવુડમાં કોઈ નવી બાબત નથી. અગાઉ પણ બન્ને જાહેરમાં અનેકવાર બોલ્યા છે. માટે શક્ય છે કે આ વખતે પણ આમિરે શાહરૂખ ખાનને નિશાન બનાવીને આ વાત રજૂ કરી હોય. આમ આ વખતે આમિરે એના બ્લોગ Aamirkhan.com મારફતે શાહરૂખ પર ઘા કર્યો છે. તેના જવાબમાં શાહરૂખ કહે છે કે, મારી પાસે બ્લોગ લખવાનો ફાલતુ સમય નથી.
આમિર પણ હવે બીગ-બીની માફક બ્લોગર બની ગયો છે. પોતાની વેબસાઈટ પર રજૂ કરેલ એક બ્લોગમાં આમિરે પોતાના શાહરૂખ નામના કૂતરા વિશે વાત કરી છે. પંચગીનીમાં આમિર એક ઘર ધરાવે છે અને આ ઘરમાં શાહરૂખ નામનો કૂતરો રાખ્યો છે. જે આમિર જ્યારે પણ આ ઘરમાં હોય ત્યારે તેના પગ ચાટે અને આમિર પોતાના આ વ્હાલા શાહરૂખને પ્રેમથી બીસ્કીટ પણ ખવડાવે.
આમિર આ કૂતરાનું નામ શાહરૂખ શા માટે રાખ્યું તે અંગે ખુલાસો કરતા કહે છે કે, કૂતરાનું નામ શાહરૂખ મેં નથી પાડયું પણ ઘરના કેરટેકરે પાડયુ છે. અને આ કૂતરો પણ મારો નથી પરંતુ મારા ઘરના કેરટેકરનો છે. જ્યારે મેં આ ઘર ખરીદ્યુ હતું ત્યારે તેની સાથે આ કૂતરો અને કેરટેકર પણ શામેલ હતાં.
હવે આ કૂતરાનું નામ શાહરૂખ કેવી રીતે પડયું તો આમિર ખુલાસો કરતા જણાવે છે કે કેટલાક વર્ષો પહેલા શાહરૂખ આ ઘરમાં શુટિંગ કરતો હતો અને તે દરમિયાન જ ઘરનો કેરટેકર એક કુરકુરિયું લઈ આવ્યો અને તેનું નામ શાહરૂખ પાડી દીધુ હતું. મારે તો કૂતરાના શાહરૂખ નામ સાથે કઈ લેવાદેવા નથી. શાહરૂખના પ્રેમીઓનું કહેવું છે કે આ ઘર આમિરે શાહરૂખ નામના કૂતરાના કારણે જ ખરીદ્યુ હતું. જેના જવાબમાં આમિર સ્પષ્ટતા કરતા કહે કે, હું તો શાહરૂખનો ખુબ ચાહક છુ પછી એવું શું કામ કરુ? પણ વ્હાલા આમિર બધા લોકો જાણે છે તારો અને શાહરૂખ વચ્ચેનો અખુટ અને અનોખો પ્રેમ કેવો છે !
આમિરના જવાબમાં શાહરૂખ કહે છે કે, મારી પાસે બ્લોગ લખવાનો ફાલતુ સમય નથી. જોયું શાહરૂખની સ્માર્ટનેશ. બીગ બીએ પણ પાંચમી પાસ નામના સ્ટાર ટીવીના કાર્યક્રમમાં શાહરૂખ વિશે ઘસાતુ તેઓના મોંધા બ્લોગમાં લખ્યું છે. તેમછતાં તેનો જવાબ દેવાનું શાહરૂખને યોગ્ય નથી લાગતું.
|