એક વાત તો બધા જાણે જ છે કે રાવણ ફિલ્મની શુટિંગ દરમિયાન એક હાથી બેકાબુ થઈ ગયો હતો અને તેણે મહાવતને પણ કચેડી નાંખ્યો હતો. તે વખતે ફિલ્મના કલાકાર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ મણિરત્નમની સાથે જ હતાં. પહેલા એવા સમાચાર આવ્યાં હતાં કે અભિ-એશ વેનમાં હોવાને લીધે બચી સુરક્ષીત છે પરંતુ હકીકત કંઈક અલગ જ હતી.
ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્રના જણાંવ્યાનુસાર બુધવારે ઐશ્વર્યા, અભિષેક બચ્ચન અને મણિરત્નમ શુટિંગના સ્થળે પહોચ્યા હતાં. તેઓ હાથીને જોવા માંગતા હતાં જે શુટિંગમાં ભાગ લેવાનો હતો. અચાનક હાથીનું મગજ બગડી ગયું અને ભાગમદોડી મચી ગઈ. જેને જ્યાં જગ્યા મળી તે ત્યાં જ સંતાઈ ગયું.
અભિષેક-ઐશ્વર્યા અને મણિરત્નમ પણ જંગલમાં જઈને સંતાઈ ગયાં અને દસ કલાક સુધી ભુખ્યા-તરસ્યા બેસી રહ્યાં. જ્યારે હાથીને કાબુમાં કરી લેવાયો ત્યારે યુનિટનો એક સભ્ય તેમને શોધતો શોધતો ત્યાં પહોચ્યો અને ત્યાર બાદ તેઓ પાછા ફરી શક્યાં.
સૂત્રના કહેવા મુજબ એશ અને અભિ વિશે કોઈ જ સમાચાર નહોતા મળ્યાં તેથી બધા ખુબ જ ચિંતામાં હતાં અને તેમના માતા-પિતા પણ તેમની સુરક્ષાને લઈને ચિંતામાં હતાં.
'રાવણ' ફિલ્મને લઈને ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે. પહેલા મણિરત્નમ ગંભીર રીતે બિમાર થઈ ગયાં. પછી હાથી બેકાબુ થઈ ગયો. ત્યાર બાદ જંગલમાં શુટિંગ દરમિયાન વાયરલ ઈંફેક્શન અને મેલેરિયાને લીધે યુનિટના ઘણાં લોકો બિમાર પડી ગયાં છે.