આજની સફળ અભિનેત્રી પ્રિયંકા ઘણી બાબતોમાં ખૂબ જ સંવેદનશીલ છે. જેવી કે છોકરીઓની બાબતે તે ઘણુ વિચારે છે. તે દુનિયાની હકીકત જાણે છે. તેથી જ તો આ અભિનેત્રીએ દેશમાં વધતી કન્યા ભ્રૂણ હત્યા અને છોકરીઓના ભણતર વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યુ મને ખૂબ જ દુ:ખ થાય છે જ્યારે માતા-પિતા પોતાની છોકરીઓને છોકરા કરતા ઓછી આંકે છે. આ ખૂબ જ દુ:ખી કરવાની સાથે અપમાનિત કરવા જેવી વાત છે. એ કહે છે કે પુત્રની આશામાં કન્યા ભ્રૂણ હત્યા એક સામાન્ય બાબત થઈ ગઈ છે, ઘણીવાર તો સારા પરિવારના લોકો પણ આવુ કરતા જોવા મળ્યા છે.
સાથે સાથે તેણે કહ્યુ કે થોડા દિવસો પહેલા દક્ષિણ મુંબઈમાં કોઈ એક નવજાત બાળકીને રસ્તા પર છોડી ગયુ હતુ. આજે છોકરીઓની આવી હાલત ખૂબ જ ચિંતાજનક છે પ્રિયંકા ભારપૂર્વક કહે છે કે છોકરીઓને પણ છોકરાઓની જેમ જ તક મળવી જોઈએ. તેમને પણ ભણાવવી જોઈએ અને દરેક માતા-પિતાએ પ્રયત્ન કરવો જોઈએ કે તેમની પુત્રી આત્મનિર્ભર બની શકે.