નિર્દેશક રામગોપાલ વર્માની તાજેતરમાં રીલીઝ થયેલી અમિતાભ બચ્ચન અભિનિત નવી ફિલ્મ 'રણ' વધુ એક વિવાદમાં સંપડાતી નજરે ચડી રહી છે. ફિલ્મની વાર્તા ઉપર સોનલ મહેતા નામની એક ફ્રિલાન્સ જર્નાલિસ્ટે દાવો કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ત્યારે રાજકોટથી નવો એક ફગગો ફૂટ્યો છે.
ફૂલછાબના પત્રકાર વિપુલ રાઠોડે છ વર્ષ અગાઉ રામગોપાલ વર્માની 'ફિલ્મ ફેક્ટરી' કંપનીને મોકલાવેલી એક વાર્તા વિચાર અને 'રણ' માં ઘણી સમાનતાઓ જોવા મળતા કાયદેરસર નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.
વર્ષ 2004 માં રામ ગોપાલ વર્માની ફિલ્મ ફેક્ટરી દ્વારા નવી પ્રતિભાઓની શોધ માટે ફેક્ટરી એટવર્ક નામની વેબસાઈટ શરૂ અક્રવામાં આવેલી જે હાલ બંધ થઈ ગઈ છે. આ વેબસાઈટના ઈ-મેઈલ પર વિપુલે એક વાર્તા વિચાર (કોન્સેપ્ટ) મોકલ્યો હતો. માત્ર એક જ પેઈજના ટૂંકસાર સમાન વાર્તા ન ચાલે તેવો જવાબ મળતા વિપુલે વેબસાઈટ પર સંપર્ક બંધ કરી દીધેલો.
આ પ્રકરણના છ વર્ષ બાદ તાજેતરમાં રામગોપાલ વર્માની નવી ફિલ્મ રણ રજૂ થઈ છે. જે ફિલ્મનો કથા વિચાર વિપુલના કોન્સેપ્ટ 'ધ વોર' સાથે મળતો આવે છે.
'ધ વોર' એક અખબાર અને તેના પ્રમાણિક, આદર્શવાદી તંત્રી-માલિકની વાર્તા હતી. જ્યારે રણમાં એક ચેનલ અને તેના માલિક, ન્યૂઝ એડિટરની વાર્તા છે. વોરમાં અખબારની આર્થિક હાલત કથડાયેલી હોય છે. 'રણ' માં પણ ચેનલ ઈન્ડિયા 24X7ની આર્થિક હાલત બદતર બતાવામાં આવી છે. વોર અને રણ બન્નેમાં અખબાર-ચેનલની વિશ્વસનીયતા તેની નબળી હાલત છતાં બરકરાર છે.
બન્નેમાં એક જ અહેવાલથી સરકાર ઉથલી જાય છે અલબત વોરમાં રાજ્ય સરકારની વાત છે. જ્યારે રણમાં દેશની કેન્દ્ર સરકાર પડી જાય છે. વોરમાં આર્થિક સ્થિતિ સુધારવા તંત્રી પોતે 'યેલો જર્નાલિઝમ' ના રવાડે ચડે છે. જ્યારે રણમાં ચેનલના માલિકનો પુત્ર આવા ધંધા કરતો દેખાડાયો છે. 'રણ' અને 'વોર' બન્નેમાં વિરોધી પ્રસાર માધ્યમ આર્થિક રીતે સબળ, મૂલ્યહિન અને રાજકીય હાથા સમાન છે. વોરમાં આખરે મુખ્યપાત્રની હત્યાની કલ્પના છે જ્યારે રણમાં મુખ્યપાત્ર હાર સ્વીકારે છે અને તેનો પુત્ર કે જેણે 'પેઈડ ન્યૂઝ' પ્રસારિત કર્યા હોય છે તે આત્મહત્યા કરી લેતો દેખાડવામાં આવેલું છે. બન્નેમાં સમાચાર માધ્યમને રાજકીય કાવતરાનો શિકાર બનવું પડે છે.
ફિલ્મ અને પોતાના કથાસાર વચ્ચે અમુક ખાસ પ્રકારની સામ્યતાને પગલે વિપુલે રામગોપાલ વર્માને લીગલ નોટિસ મોકલી છે. જેમાં આ તમામ સમાનતાઓ પાછળના કારણોના જવાબ માંગવામાં આવેલા છે.