બોલીવુડમાં આમ તો ઘણા અભિનેતાઓ છે, પણ જ્યારે અભિષેક બચ્ચનની વાત આવે તો એક વિનમ્ર અને શાંત છોકરાનો ચહેરો આપણી નજર સમક્ષ આવીને ઉભો થઈ જાય છે. આજે 32 વર્ષ પુરા કરનાર અભિષેકે પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી છે.
કરોડો લોકોના દિલની ઘડકન, અને વિશ્વસુંદરીના પતિ, અને બોલીવુડના બાદશાહ અમિતાભના પુત્ર અભિષેકે રેફ્યુજી દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરીને લોકોને અમિતાભની યુવાનીના દિવસોની યાદ અપાવી છે. અભિષેકને શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો, કારણકે લોકોએ તેમની પાસેથી તેમના પિતા જેવા પદછંદ અવાજની અને એવા જ સશક્ત અભિનયની અપેક્ષા રાખી હતી. પરંતુ અમિતાભ તો રહ્યા એગ્રીયંગમેન, અને અભિષેક તો મોઢા પરથી જ એક શર્મીલા અને શાંત યુવાન લાગતા હતા, તેઓ પોતાના પિતાની બરાબરી કેવી રીતે કરી શકે ?
શરૂઆતના સંઘર્ષ પછી અભિષેકે 'ગુરૂ', 'યુવા' અને 'સરકાર' જેવી ફિલ્મો આપીને લોકોને બતાવી દીધુ કે તેમને પણ અભિનય આવડે છે. મુંબઈની જમનાબાઈ નરસી શાળા બોમ્બે સ્કોટીશ શાળા શાળા અને નવી દિલ્લીની મોર્ડન શાળામાંથી અભ્યાસ કરીને તેઓ સ્વીટ્ઝરલેંડમાં કોલેજનું શિક્ષણ મેળવવા ગયા અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. જ્યારે એક સ્ટારનો પુત્ર અને એ પણ અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારનો પુત્ર બોલીવુડના મેદાનમાં ઉતરે છે ત્યારે લોકો તેની પાસેથી એવી જ અપેક્ષાઓ રાખે છે જેવી તેના પિતામાં હોય છે, આમ કરતા તેની પોતાની ઈમેજ ઉભી કરવી એ કપરી પરીક્ષા છે, પરંતુ અભિષેક હિમંત નહોતા હાર્યા. તેમણે 'યુવા' ફિલ્મમાં લલ્લનની ભૂમિકા ભજવીને એવોર્ડ મેળવી જ લીધો.
અભિષેકના પર્સનલ જીવનની વાત કરીએ તો તેમના અને કરિશ્માના પ્રેમ પ્રસંગ સગાઈ સુધી જ પહોંચ્યો અને કોઈ કારણસર તેઓ અલગ થઈ ગયા. ત્યારબાદ રાણી મુખર્જી સાથે તેમના પ્રેમ પસંગની ચર્ચા એટલી ઉડી કે એવુ લાગતુ હતુ કે તે બંનેના લગ્ન થશે, પરંતુ બધાના આશ્વર્ય વચ્ચે છેવટે અભિષેકના લગ્ન સૌના મનગમતી મિસ વર્લ્ડ એશ્વર્યા સાથે થઈ ગયા. લોકોએ ઘણી અટકળો લગાવી કે આ લોકોનુ લગ્નજીવન લાંબુ નહી ટકે પરંતુ ઈશ્વરની કૃપાથી તેઓ સુખી લગ્નજીવન વિતાવી રહ્યા છે.
હવે તમામ લોકોની દ્રષ્ટિ રામગોપાલ વર્માની ફિલ્મ ‘સરકાર રાજ’ પર કેન્દ્રિત છે. ઐશ્વર્યા રાયના અભિષેક બચ્ચન સાથેના બહુ ગવાયેલા લગ્ન બાદ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સૌ પ્રથમવાર આ ફિલ્મમાં ચમકવાના હોવાથી ફિલ્મ સમાચાર માઘ્યમોમાં છે ખરી, પણ મોટા ભાગના લોકોને એની જાણ નથી કે આ ફિલ્મનો મોટો હિસ્સો નંદીગ્રામના સેઝ સંબંધી અનેકોના જીવ લેનારી ઘટના પર આધારિત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ ‘સરકાર રાજ’ પ્રાથમિકપણે પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષની કથા છે. જેમાં અમિતાભ બચ્ચન પિતાની અને અભિષેક બચ્ચન પુત્રની ભૂમિકા ભજવે છે. દેખીતી રીતે જ કથાનો મોટો અને મહત્ત્વનો હિસ્સો અમિતાભ અને અભિષેક વચ્ચે ભાવ-લાગણીના તીવ્ર સંઘર્ષનો જ છે. ફિલ્મની રજૂઆત આવતા વર્ષના આરંભે થશે એવુ કહેવાય છે, લગ્નપછી પહેલીવાર પિતા પુત્ર અને પૂત્રવધુ એકસાથે જોવા મળશે. ‘સરકાર રાજ’ ફિલ્મ રામગોપાલ વર્માની લુપર હિટ ફિલ્મ ‘સરકાર’ની સિક્વલ છે.
અભિષેકને આજના આ શુભ દિવસે આપણે તો તેમને એ જ શુભેચ્છાઓ આપીએ કે તેઓ પોતાની પત્ની સાથે હંમેશા ખુશ રહે અને બોલીવુડમાં એક દિવસ ખૂબ મોટા સુપરસ્ટાર બને.
|