શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By એજન્સી|

આજ સાંજથી અંતિમ ચૂંટણીના પ્રચારો બંધ

ગુજરાતમાં નરેન્‍દ્ર મોદી અને સોનિયા ગાંધીનો જોરદાર પ્રચાર

PTIPTI

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી આગામી રવિવાર(16/12/07) રોજ યોજાવાની હોવાથી આજે સાંજથી જ અંતિમ ચૂંટણીના પ્રચારો બંધ થઇ જશે. આખરી તબકકાની ચૂંટણી અંગે ઠેકઠેકાણે ભારે ઉત્તેજના પ્રવર્તે છે.

આજે તા.14મીએ સાંજે જાહેર પ્રચાર ઉપર પરદો પડી જશે. આ કારણે છેલ્લી ઘડીના જાહેર પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્‍યા છે અને સભાઓ ગજાવી રહ્યા છે. મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી પણ સંખ્‍યાબંધ જાહેરસભાઓમાં મશગૂલ છે. રાહુલ ગાંધી જાહેરસભા તથા ''રોડ-શો'' દ્વારા જનસંપર્ક સાધે છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તેમની ગુજરાત- અમદાવાદ્રી જાહેર સભામાં રાજય સરકારની જૂઠી વાતોથી નહિં ભરમાવાની લોકોને અપીલ કરી છે.
PTIPTI

ગુજરાતની ચૂંટણીએ રાજકીય સત્તા માટેનો જંગ નથી પરતું પાયાના મુલ્‍યોને માટેનો સંઘર્ષ ગણાવતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ ગઇકાલે અહીંની જાહેરસભાને સંબોધતા જણાવ્‍યું હતું કે જેમની પાસે સત્‍ય નથી એવા ખોટા સિકકાઓ ફાલતુ મુદ્દા ઉછાળીને પ્રજાને ગુમરાહ કરવામાં સફળ થશે તેવું તેઓ માની રહ્યા છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્‍ટેડીયમ ખાતે કોંગ્રેસની જાહેરસભાને સંબોધતા શ્રીમતી સોનિયા ગાંધીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર આતંકવાદ અને વિકાસના નામે જે ગુલબાંગો પોકારે છે પરંતુ અને તેમનું આ નકલી મહોરુ ચીરી નાંખીને તેમનો અસલી ચહેરો પ્રજા સમક્ષ મુકયો છે. અને ગુજરાતની જનતાને પણ સાચા ખોટાની પરખ થઈ ગઈ છે.

આ બાબતે પ્રજા છેતરાશે નહીં. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્‍યારે ભાજપ જુઠ્ઠાણા ફેલાવશે અને તેમાં તેમનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. આતંકવાદ અને વિકાસની ભાજપના નેતાઓની વાત એ માત્ર તેમનું મહોરુ છે. આ જ લોકો કેન્‍દ્રમાં એનડીએના શાસન વખતે જેલમાંથી છોડાવીને ખૂંખાર આતંકવાદીઓને ખાસ વિમાનમાં છેક અફઘાનિસ્‍તાન મુકવા ગયા હતાં અને એ જ આતંકવાદીઓએ પછીથી ભારતની સંસદ ઉપર હુમલો કર્યો હતો. જ્‍યારે કોંગ્રેસ પક્ષ કયારેય આતંકવાદ સામે ઝુંકયો નથી બલ્‍કે આતંકવાદ સામેની લડાઈમાં કોંગ્રેસે ઈન્‍દીરા ગાંધી અને રાજીવ ગાંધીના બલિદાન આપ્‍યા છે.

શ્રીમતી સોનિયા ગાંધીએ ગુજરાતમાં ભાજપના શાસન દરમ્‍યાન રૂંધાયેલા ઔદ્યોગિક વિકાસ અંગે ચિતાર આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં રાજયના 80,000થી વધુ ઔદ્યોગિક યુનિટો બંધ પડયા છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ સતામાં આવશે તો રાજયમાં બંધ પડેલા તમામ યુનિટો પુનઃ ચાલુ કરી તેની જાળવણી માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ ફંડ ઉભુ કરવામાં આવશે.

ગુજરાતમાં ભાજપ સરકારની કૃષિનીતિ પર આકારા પ્રહારો કરતાં શ્રીમતી ગાંધીએ જણાવ્‍યું હતું કે રાજયમાં ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી અને આ ખેડૂતોના ભોગે સરકારના ગણ્‍યાગાંઠયા મળતીયાઓને અબજો રૂપિયાનો ફાયદો કરાવી આપવામાં આવે છે. ગુજરાતમાં ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહ્યા છે બીજી તરફ માલેતુજારો વધુને વધુ માલદાર બની રહ્યા છે.
PTIPTI

ગુજરાતની જીવાદોરીસમી નર્મદા યોજનાના અધુરા કામો નહીં થવાને કારણે રાજયના ખેડૂતોને સિંચાઈ માટે હજુ સુધી પાણી મળતું નથી અને નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે. ગુજરાત ભાજપ સરકાર પર વધુ પ્રહારો કરતાં શ્રીમતી ગાંધીએ જણાવ્‍યું હતું કે, તેમની કથની અને કરણીમાં ફેર છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વિકાસના મુદ્દાથી કર્યા પછી તેમના વિકાસના દાવાની પોલ ખુલ્લી જતાં હવે આતંકવાદ સામેની લડાઈનું મહોરુ પહેરીને તેઓ બહાર આવ્‍યા છે આમ તેમની કથની અને કરણીમાં કેટલો ફેર છે તે આ બતાવે છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરતાં કોંગ્રેસ અધ્‍યક્ષાએ જણાવ્‍યું હતું કે, ભય મુકત જીવન જીવી શકે એવા ગુજરાતનું નિર્માણ કરાશે ત્‍યારે જ સાચા અર્થમાં લોકતંત્ર અને કાયદાનું પાલન થયું ગણાશે. તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં મહિલાઓ પર બળાત્‍કાર થયા છે અને બાળકોના અપહરણ થયા છે.

આજે સમાજ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં હવે કોંગ્રેસની સરકાર આવશે તો ભયમુકત સમાજની સ્‍થાપના કરાશે કોંગ્રેસ સાંપ્રદાયિકતા અને કટ્ટરવાદનો વિરોધ કરે છે. કોંગ્રેસ સમાજના તમામ વર્ગોને તેમાય ખાસ કરીને નબળા વર્ગના લોકોના ઉત્‍થાન માટે કટીબધ્‍ધ છે. શ્રીમતી સોનિયા ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે યોજાનારા બીજી તબકકાના મતદાનમાં અચુકપણે અને સમજી વિચારીને મતદાન કરવાની જાહેરસભામાં અપીલ કરતાં જણાવ્‍યું હતું કે, શાંતિ અને સદ્‌ભાવનાવાળા સમાજના નિર્માણ માટે ચૂંટણીના દિવસે પંજાના નિશાન ઉપરનું બટન દબાવી કોંગ્રેસના બધા જ ઉમેદવારોને ભારે બહુમતીથી ચૂંટી કાઢવા અનુરોધ કરતા તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ગાંધી, સરદાર અને નહેરુના મુલ્‍યો અને વારસાને સતત અને પુનઃ ધબકતા કરવાના છે. સૌ કોઈ જાણે છે કે, કોંગ્રેસ પક્ષ કયારેય આ મુલ્‍યોથી અળગો થયો નથી.