ખાસ કરીને મહિલા દર્દીઓ આ સમસ્યા લઈને આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમના વાળ સારા હતાં પરંતુ ડીલેવરી પછી તેમના વાળ ખરવા લાગ્યા છે અને સફેદ પણ થવા લાગ્યા છે. આનું કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં એસ્ટ્રોજન નામના હાર્મોનનું સ્તર ઉંચુ રહે છે. આ એસ્ટ્રોજન સ્ત્રી હાર્મોન હોય છે જે વાળને સ્વથ્સ્ય અને સુંદર બનાવે છે. સાથે સાથે ગર્ભાવસ્થા દરમિયાન મહિલા પોતાના ખોરાક તરફ ધ્યાન આપે છે પરંતુ ડિલેવરી પછી તે બાળકની સારસંભાળમાં એટલી બધી વ્યસ્ત થઈ જાય છે કે પોતાના તરફ ધ્યાન નથી આપી શકતી જેના લીધે તેના શરીરમાં રહેલ એસ્ટ્રોજન હાર્મોનનું સ્તર ઓછુ થઈને સામાન્ય પર આવી જાય છે. તેના લીધે વાળ ખરવાની સમસ્યા ચાલુ થઈ જાય છે અને વાળ સફેદ પણ થવા માંડે છે.
તેનાથી બચવા માટે ડિલેવરી બાદ પણ પોતાના પોષણ પ્રત્યે પુરતુ ધ્યાન આપવું જોઈએ અને હિમોગ્લોબીનનું સ્તર જળવાઈ રહે તેનું ધ્યાન રાખો. કાચા શાકભાજી, લીલા પાંદડાવાળી ભાજી, કઠોળ, ફણગાવેલા અનાજ, ફળો વગેરે ખાવ. અઠવાડિયામાં ત્રણ દિવસ વાળમાં જડીબુટીયુક્ત કાળા તલનું તેલ રાત્રે સુતા પહેલાં લગાવો અને સવારે ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નીચોડીને માથા પર લગાવો. ત્યાર બાદ ટોવેલને દૂર કરીને આયુર્વેદિક શેમ્પુ વડે વાળ ધોઈ લો.