રહેવા દે રહેવા દે આ સંહાર, યુવાન ! તું, ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1
પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ; ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કૂમળું. 2
તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે; તીરથી પક્ષી તો ના, ના, કિંતુ સ્થૂલ મળી શકે. 3
પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને; પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. 4
સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે ; સૌન્દર્ય પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે, 5
સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે; પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે. 6
રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું; બધે છે આર્દ્રતા છાઈ, તેમાં તે ભળવું ભલું ! 7
|