આવ્યો રવી મકર રાશિ સમીપ આજ, જાણે થયુ શિશિર નામ ઋતુનું રાજ; ટાઢે વિશેષ સઉના તનને ધ્રુજાવ્યાં, જાણે શરીરધરને શિશિરે ડરાવ્યાં. 1
ઓઢે જનો શરીર ઉપર તો દુશાલ, લીલી પીળી ધવળ કે વળી રંગ લાલ; જાણે શિશિર ભૂપથી ભય પામી ભારી, ઘર્યો સુવેષ પુરુષે પણ અર્ધ નારી. 2
ઝાડો તણાં જિરાણ પત્ર ખરી પડે છે, કાષ્ઠ પ્રમાણ નિરખી મજરે ચડે છે; જાણે શીતે તરુવરો બહુ લુંટી લીધાં વસ્ત્રો રહીત તરુઓ કરી ક્રોધ કીધા. 3
ઓઢે શ્રિમંતજન તો સુજની રજાઈ, પોઢે બિછાવી ઉનની ઉમદા તળાઈ; પોઢ્યા હતા ધન સમે જગદીશ જેમ, પોઢ્યા દિસે શિશિરમાં નર લોક તેમ. 4
શાર્દૂલવિક્રીડિત વૃત્ત
વીતે છે પરિપૂર્ણ તે, શિશિર તો માઘી થિથિ પૂનમે આવે છે દિવસો વસંતઋતુના, એમાં નહી ઊનમે; એનો હર્ષ અગાઉથી અતિ ઘણો, માને ઘણા માનવ; માઘી પંચમીને દીને જન કરે, તેથી વસંતોત્સવ. 5
|