જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આંસુ મહીંહે આંખથી યાદી ઝરે છે આપની ! 1
માશુકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની ! 2
જોંઉ અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર; તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! 3
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં; તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! 4
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં; આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની ! 5
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ; યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની ! 6
દેખી બુરાઈ ના ડરુ હું, શી ફિકર છે પાપની ? ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની ! 7
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ; તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની ! 8
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને, અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની ! 9
પ્યારુ તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ; ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! 10
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ? આશકોના રાહની જે રાહદારી આપની ! 11
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધુ; જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની ! 12
ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ; જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ; છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! 14
|