પેદા થયો છુ તને ઢૂંઢવા તુંને સનમ ! ઉંમર ગુઝારી ઢૂંઢતા તુંને સનમ !
છે દુશ્મનો લાખો ભુલાવા રાહને દુશ્મન બનાવી યાર અંજાયો સનમ !
ગફલત મહીં હુ, ઝાલિમો કાબિલ એ ; જુદાઈ યારોની મઝા એને, સનમ !
જે રાહદારીમાં અમોને લૂંટતુ, ઉમેદ બર આવો નહી એની, સનમ 1
પાંચે નમાઝે ઝૂકતાં તારે કદમ આડા ફરે છે બેખુદાઓ એ, સનમ !
છો દમબદમ ખંજર રમે તારુ દિલે; કાફર તણું કાતિલ ખેંચી લે સનમ !
તું માફ કર દિલદાર, દેવાદાર છુ; છે માફ દેવાદારને મારા, સનમ
કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને; ગુઝરાનનો ટુકડો ઘટે દેવો સનમ ;
પેદા થઈને ના ચૂમી તારી હિના; પેદા થયો છુ મોતમાં જાણે સનમ
શાને કસે છે મુફત આ લાચારને ? દાવો સુનાનો છે હમારો ના, સનમ !
પથ્થર બની પેદા થયો છુ પહાડમાં, છુ ચાહનારો એય તુંથી છુ, સનમ !
(કલાપીનો કાવ્ય કલાપમાંથી )
|