યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમ્યાન ગુજરાતીઓ શેરીઓમાં - પોળોમાં - મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત' કવિ અરદેશરની આ કાવ્ય પંક્તિ ને અનુરૂપ ફક્ત ગુજરાતમાંજ નહીં, પરન્તુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓ ને ગાંડા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.
નવરાત્રી એટલે નવદિવસ આદ્યશક્તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્તિ. હિન્દુ ધર્મમાં પાંચ દેવો મુખ્ય રીતે પુજાય છે - ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્ણુ, સૂર્ય દેવ અને આદ્યશક્તિ માં. દરેક જીવાત્મા ના જીવનમાં માતાનું સ્થાન હમેશા ઉંચુ હોય છે. પિતા કરતાં માતાનું મહત્વ વધારે હોય છે. માતા એ જનની છે - બાળકનું લાલન પાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહિં - તેથી જ માતાનું અનેરૂં સ્થાન હોવાથી હમેશા માતાને પહેલા પ્રણામ કરવામાં આવે છે. ઈશ્વરમાં પહેલાં માતા ના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વમેવ ત્વમેવ સર્વમ્ મમ્ દેવ દેવ
તેથી જ નવરાત્રી દરમ્યાન માતાની ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે. પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે -
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9
દુર્ગોત્સવ - આસો સુદ 1 થી આસો સુદ 9 મહાસુદ 1 થી મહાસુદ 9
આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્વ વધુ છે.
ચૈત્ર સૂદ 1 થી ચૈત્ર સુદ 9 આસો સુદ 1 થી આસો સુદ 9
યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રી ની સમાપ્તી ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામ નો પ્રાર્દુભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમી ને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટ થી પ્રયાણ કર્યું હતું.
|