અમદાવાદ. બેંગલુરૂ બ્લાસ્ટની શાહી સુકાઈ નથી, ત્યાં અમદાવાદમાં થયેલા સીરીયલ બ્લાસ્ટને કારણે શહેરનું જનજીવન થંભી ગયું છે. શહેરની નજીકનાં વિવિધ હાઈવે સહિત રસ્તા પર ટ્રાફીક જામ થઈ ગયો હતો.
લોકોને પોતાના ઘરે જવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ચારેબાજુ અફડાતફડીનો માહોલ હતો. તો દરેક વ્યકિત જલ્દી ઘરે જવા ઉતાવળમાં હતો. અમદાવાદમાં એક પછી એક થયેલા 20 બ્લાસ્ટ એક કલાકની અંદર થયા હતાં. જેને કારણે લોકો એક સાથે પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તેથી ટ્રાફીક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
પોતાના ઘરે કે સ્વજનોનાં ખબર અંતર પુછવા ફોન કરવાનો પ્રયત્ન કરવા છતાં ફોન લાગતાં ન હતાં. લેન્ડલાઈન બ્લોક થઈ ગઈ હતી. તો મોબાઈલ ફોનનાં નેટવર્ક જામ કરી દેવામાં આવ્યા હતાં. તેને કારણે લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘણાં લોકો એવા હતા કે જે પોતાના વાહનો મુકીને જેમ તેમ સ્વજન સુધી પહોંચવાનો પ્રયત્ન કરતાં હતા. તે સ્થિતિમાં ટ્રાફીક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ જ રીતે હાઈવે પર પણ ચેકીંગ માટે ટ્રકોને રોકવામાં આવી હતી. જેને કારણે હાઈવે ટ્રાફીકની લાંબી કતારો લાગી હતી.
|