નવી દિલ્હી(ભાષા) આગામી બજેટને ખેડૂતલક્ષી બનાવવા માટે તેમને મબલખ કર રાહતો આપવાની સાથે તેમની તમામ લોનો રદ કરવામાં આવે તેવી માગણી સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગઇકાલે યુપીએના પ્રમુખ શ્રીમત્તી સોનિયા ગાંધીના નિવાસસ્થાને એકઠા થઈને સોનિયા મેમને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના વિવિધ ભાગોમાંથી ખેડૂતો 10, જનપથ ખાતે એકઠા થયા હતા. પ્રભા રાવ, અશોક ગેહલોત, મુકુટ વાસનિક અને દિપેન્દ્ર હુડા જેવા કોંગી નેતાઓ તેમને સોનિયાજીના નિવાસસ્થાને લઈ આવ્યા હતા.
આ નેતાઓએ ખેડૂતોની માગને ટેકો આપતાં એવી રજૂઆત કરી હતી કે કોંગ્રેસની ખેડૂતોના હિમાયતી પક્ષ તરીકેની છાપ ઉપસાવવા માટે તેમને વિશેષ રાહતો આપવી જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણના ખેડૂતો દેવાના અસહ્ય ભારથી ગભરાઈને આત્મહત્યા કરવા લાગ્યા છે, ત્યારે આ રાહતો ખરેખર ખેડૂતોને ખૂબ જ મદદરૂપ બનશે.
વિદર્ભ જેવા દુકાળ અને પાકની નિષ્ફળતાથી પીડાતા રાજ્યોમાં ખેડૂતોના દેવાંની વ્યાજમાફીથી કોઈ રાહત થતી નથી. તેમની લોન જ માફ થવી જોઈએ એવી ખેડૂતોની માંગ હતી.
|