સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો.
નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. નેતાજીનો અભ્યાસકાળ : બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલીત કરી હતી. માત્ર પંદરવર્ષની કિશોર વયે તેઓ 'ગુરુ'ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા હતા.
કોલેજ કાળ દરમિયાન સુભાષચંદ્રમાં અન્યાય સામે લડત આપવાની વૃત્તી સાફ જોવા મળતી હતી. કલકત્તાની પ્રેસીડન્સી મહાવિધાલયમાં અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન ભારતીય વિધાથીઓ સાથે ખરાબ વર્તણુક દાખવતા હતા જેમની સામે સુભાષચંદ્રે હડતાળનુ રણશીંગુ ફુંક્યું હતુ. 1921માં ઈંગલેન્ડ જઈને તેઓ ભારતીય નાગરીક સેવાની પરીક્ષા ઉર્તીણ થયા પરંતુ તેમણે અંગ્રેજ સરકારની નોકરી કરવાનો નન્નો ભણી દીધો અને સહજતાથી રાજીનામુ ધરીને ભારત આવી પહોંચ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવેશ: સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસથી પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા સુભાષબાબુએવ્યક્ત કરી હતી. રવિન્દ્રનાથ ઠાકુરના સુચન મુજબ ભારત પરત આવ્યા પછી તેઓ સૌથી પહેલા મુંબઈ ખાતે મહાત્મા ગાંધીને મળ્યા આ ઐતિહાસીક દિવસ 20 જુલાઈ 1921 હતો.
ગાંધીજીએ પણ તેમને કલકત્તા જઈને ચિત્તરંજન દાસ સાથે કામ કરવાની સલાહ આપી હતી. જે સલાહને અનુસરીને તેઓ કલકત્તા આવ્યા અને તેમને મળ્યા હતા. સુભાષને જોઈને દિનબંધુ અત્યંત પ્રભાવિત થયા હતા. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહયોગનુ આંદોલન છેડ્યું હતુ જેમાં દિનબંધુએ કલકત્તાનુ નેતૃત્વ કર્યું હતુ અને સુભાષે આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવી હતી.
1922માં દેશબંધુએ કોંગ્રેસની નીશ્રામાં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. વિધાનસભામાં અંગ્રેજ સરકારનો વિરોધ કરવા કલકત્તા મહાનગર પાલિકાની ચુંટણીમાં સ્વરાજ્ય પાર્ટી ઝંપલાવ્યુ અને પાર્ટી ચુંટણી જીતી ગઈ ત્યારપછી દાસબાબુ કલકત્તાના મેયર બની ગયા. તેમણે સુભાષબાબુને મહાનગર પાલિકાના પ્રમુખ કાર્યકારી અધિકારી બનાવ્યા હતા.
સુભાષબાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન કલકત્તાની મહાનગર પાલિકાના ઢાંચામાં પાયાના ફેરફારો કર્યા અને શહેરના રાજમાર્ગોના વિલાયતી નામો બદલીને ભારતીય નામો આપવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપનારા શહિદોના પરિવારજનોને મહાનગર પાલિકામાં રહેમરાહે નોકરી આપવાનુ ભગીરથ કાર્ય પણ તેમના હાથે શરૂ થયું હતુ.
જોતજોતામાં સુભાષબાબુ દેશના અગ્રણી યુવા નેતા તરીકે ખ્યાતી પામ્યા. પંડિત જવાહરલાલ નહેરુ સાથે તેમણે યુવાનોની ઈન્ડીપેન્ડન્ટ લીગની શરૂઆત કરી. 1928માં સાઈમન કમીશન જ્યારે ભારતમાં આવ્યુ ત્યારે કોંગ્રેસે કાળાઝંડા ફરકાવી તેમનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં કલકત્તાનુ નેતૃત્વ સુભાષબાબુએ હાથમાં લીધુ હતુ. સાઈમન કમીશનને વળતો જવાબ આપવા માટે કોંગ્રેસે ભારતના ભાવિ સંવિધાનની રચનાનુ કાર્ય પંડિત મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ આઠ સભ્યોના આયોગને સુપરત કર્યુ હતુ. આ આયોગમાં સુભાષબાબુને સ્થાન આપવામાં આવ્યુ હતુ. જે આયોગે નહેરુ રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો.
1928માં પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસનુ વાર્ષિક અધિવેશન કલકત્તામાં યોજવામાં આવ્યુ હતુ. જેમાં સુભાષબાબુએ ખાખી ગણવેશ ધારણ કરીને મોતીલાલ નહેરુને લશ્કરી અંદાજમાં સલામી આપી હતી. તે સમયે પુર્ણસ્વરાજની માગથી ગાંધીજી સહમત નહોતા. આ અધિવેશનમાં તેમણે અંગ્રેજ સરકાર પાસે સ્વરાજ્યની માગણી કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સુભાષબાબુ અને પંડિત જવાહરલાલ નહેરુને પુર્ણસ્વરાજ્યની માગથી પીછેહઠ મંજુર ન હતી.
અંતમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, સ્વરાજ્ય આપવા માટે અંગ્રેજ સરકારને એકવર્ષની મહેતલ આપવામાં આવે. જો અંગ્રેજ સરકાર આ સમયગાળામાં સ્વરાજ્ય ન આપી શકે તો પુર્ણસ્વરાજ્યની માગણી કરવામાં આવશે. પરંતુ અંગ્રેજ સરકારે આ માગણી પુરી કરવાનો ઈનકાર કરી દીધો હતો. 1930માં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહૌરમાં કોંગ્રેસનુ વાર્ષીક અધિવેશન યોજાયુ તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે.
|