કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું: 1938માં ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષપદે સુભાષબાબુની વરણી કરી પરંતુ તેમની કાર્યપધ્ધતિ તેમના વિચારોથી ભિન્ન હતી. આ સમયગાળા દરમિયાન યુરોપમાં બીજા વિશ્વયુદ્ધનુ રણશીંગુ ફુંકાયુ હતુ. સુભાષબાબુની ઈચ્છા હતી કે, આ તકનો લાભ લઈને મુશ્કેલીમાં ફસાયેલા ઈંગલેન્ડ સામે ભારતના સ્વતંત્રતા સંગ્રામની લડત વધુ તીવ્ર બનાવવી.
1939માં જ્યારે કોંગ્રેસનો નવો પ્રમુખની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુની ઈચ્છા હતી કે, નવો પ્રમુખ એવો હોવો જોઈએ જે કોઈ પણ દબાણને વશ ન થાય પરંતુ કોઈ વ્યકિત આગળ નહીં આવતાં અંતે તેમણે જ કોંગ્રેસની સુકાન સંભાળવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યાર બાદ કવિ રવિન્દ્રનાથ ઠાકુરે ગાંધીજીને પત્ર લખીને સુભાષબાબુને અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી, પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સાહા જેવા વૈજ્ઞાનિકો પણ નેતાજીને ફરીથી અધ્યક્ષ બનાવવા માગતા હતા.અંતે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે ચુંટણી યોજવામાં આવી. અંતે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણીમાં સુભાષચંદ્ર અને સિતારમૈયા વચ્ચે જંગ જામ્યો. કેટલાક માનતા હતાં કે સિતારમૈયાના ટેકામાં મહાત્માગાંધી છે જેના લીધે તેમને ચુંટણી જીતવામાં સરળતા રહેશે, પરંતુ સુભાષ બાબુને આ ચુંટણીમાં 1880 મત અને સીતારમૈયાને 1377 મત મળ્યા આ સાથે સુભાષબાબુ 203 મતે કોંગ્રેસના અધ્યક્ષની ચુંટણી જીતી ગયા.
1939માં ત્રિપુરામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશન દરમિયાન સુભાષબાબુ બિમારીની ગર્તામાં ધકેલાઈ ગયા. પરંતુ તેઓ સ્ટ્રેચર પર સુઈને પણ અધિવેશનમાં હાજરી આપવાનુ ચુકતા ન હતા. જોકે ગાંધીજી આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં.
અંતે 29મી એપ્રિલ 1939ના રોજ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધુ અને આઝાદ હિન્દફોજના સેનાનાયક બનીને માતૃભુમિની રક્ષા કાજે અંગ્રેજો સામે યુદ્ધના મંડાણ કર્યા. નેતાજીનો અંતિમ પ્રવાસ: દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. 23મી ઓગષ્ટ 1945ના દિવસે જાપાનની 'દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, 18મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.
સ્વતંત્રતા મળ્યા પછી ભારતે આ ઘટનાની તપાસ કરાવવા માટે 1956 તથા 1977માં બે વખત આયોગની નીયુક્તી કરી હતી. દુર્ઘટનામાં નેતાજીનુ મોત થયુ હોવાનો રિપોર્ટ બંને વખત થયેલી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તાઈવાનની સરકાર સાથે બંને આયોગ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી ન હતી.
1999માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તપાસ દરિમયાન 2005માં તાઈવાન સરકારે મુખર્જી આયોગને જણાવ્યુ હતુ કે, 1945માં તાઈવાનની ભુમી પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ જ ન હતુ. 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો, જેમાં તેમણે દર્શાવ્યુ હતુ કે, નેતાજીની મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ હોવાના કોઈ પુરાવા નથી. ભારત સરકારે મુખર્જી આયોગની આ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. 18મી ઓગષ્ટ, 1945ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા અને ત્યાપછી શુ બન્યુ, તે ભારતના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે.
|