શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (08:56 IST)

સંસદ શિયાળુ સત્ર આજથી, કૃષિકાયદા પરત ખેંચવાની સાથે આ 26 બિલ લવાશે

લોકસભાની કાર્યયોજના પ્રમાણે, 29 નવેમ્બરે સંસદનું શિયાળુસત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભારત સરકાર ત્રણ કૃષિકાયદાને પાછા ખેંચવા, ક્રિપ્ટૉકરન્સી નિયંત્રણ, બૅકોનું ખાનગીકરણ સહિત કુલ 26 બિલ રજૂ કરશે.
 
સંસદના સત્રમાં પસાર થનારાં બિલ કયાં છે?
સહાયક પ્રજનન તકનિક નિયમન બિલ, 2020
આ બિલ 14 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલના અનુસંધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સ્થાયી સમિતિનો અહેવાલ 19 માર્ચ, 2021ના રોજ લોકસભાના મંચ પર મૂકવામાં આવ્યો હતો..
 
રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થા (સુધારો) બિલ, 2021
આ બિલ 15 માર્ચ, 2021ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
 
રાસાયણિક ખાતર અંગેની સ્થાયી સમિતિનો અહેવાલ 4 ઑગસ્ટ, 2021ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
 
માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને કલ્યાણ (સુધારો) બિલ, 2019
આ બિલ 11 ડિસેમ્બર, 2019ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સ્થાયી સમિતિનો અહેવાલ 29 જાન્યુઆરી, 2021ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.નશાકારક દ્રવ્યો અને માનસિક પદાર્થ (સુધારો) બિલ, 2021 (વટહુકમને સ્થાને)
આ બિલ નશાકારક દ્રવ્યો અને માનસિક પદાર્થ એક્ટ, 1985માં સુધારો કરીને બનાવવામાં આવ્યું છે.
 
કેન્દ્રિય તકેદારી કમિશન (સુધારો) બિલ 2021 (વટહુકમને સ્થાને)
આ બિલ કેન્દ્રિય તકેદારી કમિશન ઍક્ટ, 2003માં સુધારો કરીને બનાવવામાં આવ્યું છે.
 
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારો) બિલ, 2021 (વટહુકમને સ્થાને)
આ બિલને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946માં સુધારો કરીને બનાવવામાં આવ્યું છે.અન્ય કયાં મહત્ત્વનાં બિલ છે?
ભારતીય સંસદભવન
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ ઍન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઝ (સુધારો) બિલ, 2021
આ બિલનો હેતુ ચાર્ટડ એકાઉન્ટ સંસ્થાઓમાં સુધારા લાવવા અને તેમની કામગીરીને ઝડપી બનાવવાનો છે.
 
દેવાળું અને બૅંક નાદારી (બીજો સુધારો) બિલ, 2021
આ બિલનો હેતુ દેવાળું અને બૅંક નાદારી કોડ, 2016ને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત કરવાનો છે.
 
કૅન્ટોનમૅન્ટ બિલ, 2021
આ બિલનો હેતુ કૅન્ટોનમૅન્ટ બોર્ડના સંચાલનતંત્રને વધુ લોકશાહીની ઢબે ચલાવવા, આધુનિક બનાવવા અને આખા માળખામાં સુધારો કરવાનો છે.
 
આંતર-સેવા સંસ્થાઓ (આદેશ, નિયંત્રણ અને શિસ્ત) બિલ, 2021
આ બિલ લાવવાનો હેતુ આર્મી ઍક્ટ, 1950, નૅવી ઍક્ટ, 1957 અને ઍરફોર્સ ઍક્ટ, 1950ને આધીન કર્મચારીના સંબંધમાં ઇન્ટર-સર્વિસ ઑર્ગેનાઇઝેશનના કમાન્ડર-ઇન-ચીફ અથવા ઑફિસર-ઇન-કમાન્ડને સત્તા પૂરી પાડવા, તેમની ફરજો, શિસ્ત અને યોગ્ય ડિસ્ચાર્જને નિર્ધારિત કરવા માટેનો છે.
 
ઇન્ડિયન ઍન્ટાર્કટિકા બિલ, 2021
આ બિલ લાવવાનો ઉદ્દેશ ભારતની ઍન્ટાર્કટિક પ્રવૃત્તિઓ માટે સુમેળભરી નીતિ અને નિયમનકારી માળખું પ્રદાન કરવા અને ઍન્ટાર્કટિક પર્યાવરણ અને ઍન્ટાર્કટિક ટ્રિટી મુજબ ઇકૉસિસ્ટમના રક્ષણ માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાનો છે.
 
સ્થાળાંતર બિલ, 2021
આ બિલ લાવવાનો ઉદ્દેશ સ્થળાંતર કાનૂન, 1983ને બદલીને એક મજબૂત, પારદર્શક અને વ્યાપક સ્થળાંતર વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરીને સુરક્ષિત અને વ્યવસ્થિત સ્થળાંતરની સુવિધા ઊભી કરવાનો છે.
 
 
ક્રિપ્ટૉકરન્સી અને સત્તાવાર ડિજિટલ કરન્સી નિયમન બિલ, 2021
લોકસભાની કાર્યયોજનામાં બતાવ્યા પ્રમાણે, આ બિલ લાવવાનો ઉદ્દેશ ભારતીય રિઝર્વ બૅંક બહાર પાડવા જઈ રહી છે તે ડિજિટલ ચલણના નિર્માણ માટે સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવાનો અને દેશમાં તમામ પ્રકારની ક્રિપ્ટૉકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો છે.
 
પેન્શન ફંડ નિયામક અને વિકાસતંત્ર (સુધારો) બિલ, 2021, બૅંકિંગ કાયદા (સુધારા) બિલ, 2021 આ બિલનો હેતુ પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટી ઍક્ટમાં સુધારો કરીને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીમાંથી નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટને અલગ કરવા અંગેની 2019ના બજેટની જાહેરાતની પૂર્તિ માટે અને સાર્વત્રિક પેન્શન કવરેજ તેમજ PFRDAને સુદ્દઢ કરવા માટેની 2020ના બજેટની જાહેરાતની પૂર્તિ કરવાનો છે.
 
બૅંકિંગ લૉ (સુધારો) બિલ 2021
આ બિલનો હેતુ બે સરકારી બૅંકોના ખાનગીકરણને લગતી 2021ના કેન્દ્રીય બજેટની જાહેરાતના સંદર્ભમાં બૅંકિંગ કંપની (અંડરટેકિંગ્સનું સંપાદન અને સ્થાનાંતરણ) અધિનિયમ, 1970 અને 1980 અને બૅંકિંગ રેગ્યુલેશન ઍક્ટ, 1949માં સુધારા કરવાનો છે.
 
ભારતીય દરિયાઈ માછીમારી બિલ, 2021, નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2021
આ બિલનો હેતુ ભારતના મેરિટાઇમ ઝોન (વિદેશી જહાજો દ્વારા માછીમારીનું નિયમન) અધિનિયમ, 1981ને રદ કરવાનો, ભારતના વિશેષ ઇકૉનૉમિક ઝોનમાં મત્સ્ય સંસાધનોના ટકાઉ વિકાસ પ્રદાન કરવાનો, ભારતીય માછીમારી જહાજ દ્વારા ઊંડા સમુદ્રમાં જવાબદારપૂર્વકની માછીમારીનો અને નાના માછીમારોની આજીવિકાને પ્રોત્સાહન આપવાનો છે.
 
નેશનલ ડેન્ટલ કમિશન બિલ 2021
આ બિલનો ઉદ્દેશ નેશનલ ડેન્ટલ કમિશનની સ્થાપના અને ડેન્ટિસ્ટ ઍક્ટ, 1948ને રદ કરવાનો છે.
 
નેશનલ નર્સિંગ મિડવાઇફરી કમિશન બિલ, 2021
આ બિલનો ઉદ્દેશ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઍક્ટ, 1947ને રદ કરીને રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી કમિશનની સ્થાપના કરવાનો છે. જેમાં "ચૂંટાયેલા" અધિકારીને બદલે "પસંદ કરેલ" અધિકારી હશે.
 
મેટ્રો રેલ (બાંધકામ, સંચાલન અને જાળવણી) બિલ, 2021
આ બિલનો ઉદ્દેશ મેટ્રો રેલવે (સંચાલન અને જાળવણી) ઍક્ટ, 2002 અને મેટ્રો રેલવે (કન્સ્ટ્રક્શન ઑફ વર્ક્સ) ઍક્ટ, 1978ને બદલીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનાં બાંધકામ, સંચાલન અને જાળવણી માટે કાનૂની માળખું પૂરું પાડવાનો છે.
 
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો (પગાર અને સેવાની શરતો) સુધારા બિલ, 2021
આ બિલનો ઉદ્દેશ હાઈકોર્ટના ન્યાયાધીશો (પગાર અને સેવાની શરતો) ઍક્ટ, 1954 અને સુપ્રીમ કોર્ટના જજ (પગાર અને સેવાની શરતો) ઍક્ટ, 1958માં સુધારો કરવાનો છે.
 
વીજળી (સુધારો) બિલ, 2021
આ બિલમાં વિતરણ વ્યવસાયને વીજળીને પરવાનામુક્ત કરવા અને નિયમનકારી કમિશનમાં કાયદાની પૃષ્ઠભૂમિવાળા સભ્યની નિમણૂક માટે સુધારા કરવામાં આવ્યા છે.
 
તેમાં રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન (આરપીઓ)ના પાલન માટે એપેલેટ ટ્રિબ્યુનલ ફૉર ઇલેક્ટ્રિસિટી (એપ્ટેલ) દંડને આકરો કરવામાં આવ્યો છે અને ઉપભોક્તાઓના અધિકારો અને ફરજોને સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે.
 
ઊર્જા સંરક્ષણ (સુધારો) બિલ, 2021
આ બિલનો ઉદ્દેશ પેરિસની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા સુધારેલી નવી અને વધારાની નાણાકીય, તકનીકી અને ક્ષમતાનિર્માણ સહાય પૂરી પાડવાનો અને સમયસર રીતે આપણા રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC)ના સંપૂર્ણ અમલીકરણનો છે.
 
નેશનલ ટ્રાન્સપૉર્ટ યુનિવર્સિટી બિલ, 2021, બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારો) બિલ, 2021 (ઉત્તર પ્રદેશ માટે)
ઉત્તર પ્રદેશ રાજ્યને લગતા આ બિલનો ઉદ્દેશ અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવાનો છે.
 
બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારો) બિલ, 2021 (ત્રિપુરા માટે)
ત્રિપુરા રાજ્યને લગતા આ બિલનો ઉદ્દેશ અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવાનો છે.
 
માનવતસ્કરી (નિવારણ, સંરક્ષણ અને પુનર્વસન) બિલ, 2021
આ બિલનો ઉદ્દેશ માનવતસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તસ્કરીને રોકવાનો, પીડિતોને સંભાળ, રક્ષણ, સહાય અને પુનર્વસન પૂરું પાડવાનો અને તેમના માટે સહાયક કાનૂની, આર્થિક અને સામાજિક વાતાવરણ ઊભું કરવાનો તેમજ અપરાધીઓ સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.
 
નેશનલ ઍન્ટિ-ડૉપિંગ બિલ, 2021
આ બિલનો ઉદ્દેશ WADA કોડના હસ્તાક્ષરકર્તા તરીકે NADAની સંધિ પ્રમાણે NADAને એક કાયદાકીય માળખું પૂરું પાડવાનો છે.
 
કૃષિકાયદા પરત બિલ, 2021
ત્રણ કૃષિકાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના વર્ષ લાંબા આંદોલનને પગલે સરકારે ત્રણેય કાયદા, ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) અધિનિયમ, 2020, ફાર્મર્સ (સશક્તીકરણ અને સંરક્ષણ) એગ્રિમેન્ટ ઑફ પ્રાઇસ એશ્યોરન્સ, ફાર્મ સર્વિસિસ ઍક્ટ, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ, 2020ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
 
મધ્યસ્થી બિલ, 2021
આ બિલમાં પ્રી-લિટિગેશન મધ્યસ્થી માટેનો પ્રસ્તાવ છે અને સાથે અરજદાર દ્વારા તાત્કાલિક રાહતની માગણી કરવામાં આવે તો સક્ષમ ન્યાયિક મંચો/કોર્ટનો સંપર્ક કરવા માટેના તેમના હિતના રક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.