રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (13:14 IST)

‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાન: સરકારી અને ખાનગી કોલેજોને બચાવવા સરકાર દેશ-વિદેશમાં માર્કેટિંગ કરશે

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને દેશના એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા અને દેશ-વિદેશના વિદ્યાર્થીઓને રાજ્યમાં ઉચ્ચશિક્ષણ માટે આમંત્રણ આપવાના હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાનની પ્રમોશનલ પ્રવૃત્તિઓ માટે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ વિવિધ સ્થળોએ રોડ-શો યોજશે, જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા પણ જોડાશે. 
 
રાજ્યની સરકારી અને પ્રાઇવેટ કોલેજોને બચાવવા માટે સરકાર મેદાનમાં ઉતરી છે. રાજ્યની મોટી યુનિવર્સિટીઓમાં વિવિધ ફેકલ્ટીમાં 1 લાખ કરતા વધુ સીટો ખાલી છે. જોકે અત્રે નોંધનીય છે કે એક તરફ વિદ્યાર્થીઓ મસમોટી ફી હોવાથી એડમીશન લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, ત્યારે કોલેજોની ફી ઘટાડવાના બદલે સરકાર હવે ખાલી રહેતી સીટો ભરવા માટે દેશ-વિદેશમાં માર્કેટિંગ કરશે. સ્ટડી ઈન ગુજરાત કોન્સેપ્ટથી રાજ્ય સરકાર દ્વારા રોડ શો યોજાશે.
 
પ્રતિનિધિ મંડળ દ્વારા પશ્ચિમ એશિયામાં તારીખ 15 થી 22 જાન્યુઆરી, 2020 સુધી આંતરરાષ્ટ્રીય  રોડ-શોનું આયોજન હાથ ધરવામાં આવશે. તારીખ 15 જાન્યુઆરીએ કુવૈત, તારીખ 17-18 જાન્યુઆરીએ દુબઇ, તારીખ 19-20 જાન્યુઆરીએ મસ્કત અને તારીખ  21-22 જાન્યુઆરીએ રિયાધમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયાના આ ચાર દેશો સિવાય,શ્રીલંકા, નેપાળ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કેન્યા, ઇથોપિયા, યુગાન્ડા અને ભૂટાનમાં પણ આંતરરાષ્ટ્રીય રોડ શો યોજશે.
 
આંતરરાષ્ટ્રીય રોડ-શોની સમાંતર ભારતના દસ શહેરોમાં પણ રોડ-શોનું આયોજન કરવામાં આવશે. તારીખ 28 જાન્યુઆરીએ રાંચી, 21 જાન્યુઆરીએ ઈન્દોર, 22 જાન્યુઆરીએ કલકત્તા,29 જાન્યુઆરીએ હૈદરાબાદ, 20 જાન્યુઆરીએ ગૌહાટી, 28 જાન્યુઆરીએ પટણા સહિતનાસિક અને શ્રીનગર ખાતે પણ યોજાશે.  આ રોડ-શો ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રહેલી ઉજળી તકોની ઝલક દર્શાવશે અને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતી વિકાસ મંત્રી ગણપતસિંહ વાસાવા, કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર,ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રાથમિક અને ઉચ્ચશિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પણ કેટલાક પ્રતિનિધિ મંડળનો ભાગ બનશે. રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શોમાં સામેલ થશે.
 
ગુજરાત સરકારની 22 સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને ચાર કોલેજો ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાનમાં ભાગ લઈ રહી છે. CEPT, ગણપત યુનિવર્સિટી, IIT-RAM, GNLU, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિતની 22 યુનિવર્સિટી આ અભિયાનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, એલડી કોલેજ ઑફ એન્જિનિયરિંગ, સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી રિસર્ચ અને VGECનો પણ સમાવેશ થાય છે.
 
યુનિવર્સિટીઓ અને કોલેજોના વરિષ્ઠ પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓને તેમની યુનિવર્સિટીઓમાં આમંત્રિત કરવા અને રસ ધરાવતા ઉમેદવારોને પ્રવેશ અંગેની વધુ વિગતો પ્રદાન કરવા માટે તેમના પ્રમોશનલ મટિરિયલ્સ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શોમાં ઉપસ્થિત રહેશે.
 
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, "ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાતમાં સુરક્ષિત વાતાવરણ, સુદ્રઢ કાયદાનીવ્યવસ્થા તેમજ ઉદ્યોગિક ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં તકો રહેલી છે." ‘સ્ટડી ઈન ગુજરાત’અભિયાન અંતર્ગત રોડ-શોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.