નવી દિલ્હી (વાર્તા) કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલમાં અનુક્રમે રૂ. 4 અને રૂ.2નો ભાવવધારો કરવા વિચારણા કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવો આસમાને પહોંચ્યાં છે ત્યારે તેની ઘરઆંગણે અસર વર્તાશે.
યુપીએ સરકારના વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતાવાળા પ્રધાનોના જૂથની આ જાન્યુ. મહિનાના અંતમાં બેઠક મળવાની છે. તેના પછી ફેબ્રુઆરીમાં ભાવવધારાના મામલે કેબીનેટની બેઠક મળશે. પેટ્રોલિયમ સચિવ એમ એસ શ્રીનિવાસને જણાવ્યું હતું કે આઠમી જાન્યુઆરીના રોજ અન્ન બાબતોના પ્રધાનોના જૂથની બેઠક મળવાની છે અને તેના તરત પછી ઈંધણ બાબતોના પ્રધાનોના જૂથની બેઠક મળશે.
તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલમાં હળવો ભાવવધારો ઝીંકવામાં આવશે પરંતુ તેમણે ભાવવધારાનું પ્રમાણ જણાવ્યું ન હતું. નવેમ્બરમાં ઈંધણ બાબતોના પ્રધાનોના જૂથની રચના કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તેની એક પણ બેઠક મળી નથી.
ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમતે પેટ્રોલ , ડિઝલ અને કેરોસીન તેમજ રાંધણ ગેસનું વેચાણ કરવાના કારણે રૂ.69,753 કરોડની ખોટ ગઈ છે. આ બાજુ આ વર્ષે પ્રારંભથી જ ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ સરકારે તેમને પેટ્રોલ અને ડિઝલમાં ભાવવધારો કરવાની મંજુરી આપી નથી.
|