નવી દિલ્હી. દેશમાં ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી પર 29મી માર્ચના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં ફુગાવાનો દર 7.41 ટકાની પહોંચ્યો છે. આગામી ચૂંટણીના સમય પર જ કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો કરે તેવા આ સમાચાર છે. આજ કારણે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઇ)ને આ મહિનાના અંતમાં તેની આગામી વાર્ષિક ધીરાણ નીતિમાં ચુસ્ત નાણા પુરવઠા માટે વધુ પગલાં લેવાની ફરજ પડશે.
એક વર્ષ પહેલાં આ સમયગાળામાં ફુગાવાનો દર 5.94 ટકાની સપાટી પર હતો. તા. 10મી એપ્રિલે વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે અન્ન પેદાશોની ઉંચી કિંમતો આર્થિક વૃધ્ધિ અને આર્થિક સુધારણાઓ પ્રક્રિયામાં અવરોધરૂપ બની શકે છે.
આ પહેલાના સપ્તાહમાં ફુગાવાનો દર સાત ટકાની સપાટી પર હતો. જીવન જરૂરિયાત ચિજ વસ્તુઓ જેવીકે, ફળો, શાકભાજી, દાળ, ધનધાન્ય, મસાલાઓ તેમજ કેટલીક ઉત્પાદન ચીજવસ્તુઓમાં ભાવવધારાનું આ પરિણામ છે.
|