નવી દિલ્હી. સતત વધતો ફુગાવો અત્યાર સુધીમાં 42 મહિનાની સૌથી ટોચની સપાટી પર 7.61% પર આવી ગયો છે. ખાદ્ય સામગ્રી અને કેટલીક ઉત્પાદિત પેદાશોની કિંમતોમાં વધારો થવાના કારણે 26મી એપ્રિલના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં ફુગાવાનો દર સતત વધ્યો છે. જ્યારે તેના પહેલાના સપ્તાહમાં ફુગાવાનો દર 7.57% હતો.
ફુગાવો એક વર્ષ પહેલાં આ સમયગાળામાં 6.01% હતો, પછી તે 6 નવેમ્બર, 2004ના છેલ્લા સપ્તાહમાં વધીને 7.76 %એ પહોચ્યો હતો.
ફુગાવાનો દર 7.61 ટકાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યા બાદ નાણામંત્રી પી ચીદમ્બરમે આજે આશ્વાસન આપ્યું હતું કે જો જરૂર પડશે તો સરકાર મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વઘુ પગલાં લેશે.
ચિદમ્બરમે કહ્યું હતું કે, "જો જરૂર પડશે તો વધુ વહિવટીય પગલાં લેવામાં આવશે. 26મી એપ્રિલના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં ફુગાવાનો દર 7.57 ટકાથી વધીને 7.61 ટકાની સપાટી પર પહોંચ્યો હતો." તેમણે જણાવ્યું હતું કે, અન્ય તમામ વ્યક્તિઓની જેમ અમને પણ મોંઘવારીની ચિંતા છે અને તેના કારણે જ અમે પગલાંઓ લઈ રહ્યાં છીએ. દરેક અઠવાડિયામાં કોઈને કોઈ પગલાં લેવામાં આવે છે. એક વખત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની અસર થશે એટલે ફુગાવાનો દર ઘટશે.
આ સપ્તાહ દરમિઆન ચાની કિંમતોમાં 11%, ફળો અને શાકભાજીની કિંમતોમાં એક%, મસાલા અને ઈલાયચીની કિંમતોમાં ત્રણ%નો વધારો થયો છે. જો કે દાળની કિંમતમાં એક%નો ઘટાડો થયો છે.
આ અંગે અર્થશાસ્ત્રના નિષ્ણાંત ડી કે જોશીએ ભાષાને જણાવ્યું હતું કે, યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતા અને વધતી જતી ક્રુડ ઓઇલની કિમંતોના કારણે જ આજે ફુગાવાનો દર સતત વધતો જોવા મળે છે.
|