સરકારી તેલ કંપનીઓ રવિવારથી પેટ્રોલના ભાવોમાં રૂ. 2.25નો વધારો કરવાની યોજના બનાવી રહી છે. જો સરકાર વિધાનસભાની ચૂંટણીના કારણે તેલ કંપનીઓને આ નિર્ણયને રોકવા માટે 'રેડ સિગ્નલ' નહીં બતાવે તો રવિવારથી પેટ્રોલના ભાવોમાં વધારો થઇ જશે.
તેલ કંપનીઓ દર બે અઠવાડિયે પેટ્રોલના ભાવોની સમીક્ષા કરે છે. ચાલુ મહિને સરકારે તેલ કંપનીઓને ભાવ નહીં વધારવા માટે જણાવ્યું હતું. વધુમાં જો પેટ્રોલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હોત તો તેના કારણે સંસદમાં હોબાળો થઇ શકતો હતો. જોકે હવે સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થઇ ગયું છે અને તેલ કંપનીઓ તેમને ગયેલા નુકસાનની ભરપાઇ કરવા માંગે છે. ઉપરોક્ત કારણો સિવાય રૂપિયાની ડોલરની સરખાણીમાં ઘસાતાં જતાં મુલ્યના કારણે પણ પેટ્રોલિયમ પેદાશોની આયાતો મોંઘી બનતી જઇ રહી છે.
તેલ કંપનીઓ આજે એટલે કે શુક્રવારે તેલ કંપનીઓ પેટ્રોલના ભાવોની સમીક્ષા કરે તેવી સંભાવના છે. આ પહેલા તેલ કંપનીઓએ 15મી ડિસેમ્બરના રોજ પેટ્રોલના ભાવોની સમીક્ષા કરી હતી, જોકે રિઝર્વ બેન્કે રૂપિયાની ગગડતી જતી કિંમતોને રોકવા માટે પગલાં ભરતાં તેમણે રૂ.0.65નો ભાવ વધારાનો બોજો ગ્રાહકો પર નહીં નાંખવાનો નિર્ણય લીધો હતો.