2011 ગુજરાતનાં રીઅલ એસ્ટેટ માર્કેટમાં રોકાણકારો, બિલ્ડર્સ અને ખરીદારો બધાં જ માટે મિશ્ર બની રહ્યું. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે નવી પ્રોપર્ટીનાં બાંધકામ તો થતાં રહ્યાં પણ સામે પ્રોપર્ટીના વધતા ભાવથી સૌ કોઈ રહ્યાં પરેશાન. જરૂરિયાત હોવા છતાં લોકો મકાનોની ખરીદી ન કરી શક્યા. ત્યારે નવા વર્ષનાં આગમને સૌ કોઈ એ આશા લગાવીને બેઠા છે કે નવા વર્ષે કંઈક એવું થાય કે રીઅલ એસ્ટેટના ભાવમાં ઘટાડો આવે. આ વર્ષે ઘણાં લોકોએ તેમના રીઅલ એસ્ટેટના પ્લાન્સને પ્રાઈસના કારણે પડતા મૂક્યાં હશે ત્યારે જાણીએ કે આ 2012નું નવું વર્ષ રીઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે કેવું રહેશે?
આનંદો... બંગ્લા/ફ્લેટ સસ્તા થશે!
2011માં રેસિડેન્શિયલ સ્કિમ્સ તો ઘણી લૉન્ચ કરવામાં આવી પણ જોઈતા ખરીદારો ન મળ્યાં અને તેનું કારણ રહ્યું તેની વધુ કિંમતો. જોકે નવા વર્ષે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં 12થી 15 ટકા જેટલું કરેક્શન દેખાશે તેવું રીઅલ એસ્ટેટ એક્સપર્ટ્સનું માનવુ છે. ખાસ કરીને હાઈ-એન્ડ સેગમેન્ટમાં આ કરેક્શન દેખાશે તેવું જાણકારોનું માનવું છે. ખાસ કરીને અમદાવાદમાં 2-3 બીએચકેના ફ્લેટ્સની સ્કિમ્સ તેમજ 3 બીએચકેનાં બંગ્લોઝની સ્કિમ્સ વધુ મૂકાય તેવી શક્યતા છે. જ્યારે કિંમતોમાં સુધાર આવવાથી ગ્રાહકોની સંખ્યા પણ વધશે તે પણ સ્વાભાવિક છે.
રીઅલ એસ્ટેટ માર્કેટમાં 12% જેટલો ગ્રોથ
વાત કરીએ ઓવરઓલ ગુજરાતનાં રીઅલ એસ્ટેટ માર્કેટની તો વર્ષ 2011ની સરખામણીએ વર્ષ 2012માં 12% જેટલો ગ્રોથ થશે. 2011માં રેસિડેન્શિલ સેક્ટરમાં અમદાવાદ-ગાંધીનગરમાં 32,000 જેટલા યુનિટ્સનો સપ્લાય થયો હતો જ્યારે તે સપ્લાય વધીને 2012માં 36,000 થી 38,000 જેટલો થાય તેવું રીઅલ એસ્ટેટ એક્સપર્ટ સુરેશ પટેલનું કહેવું છે. વર્ષ 2012માં રેસિડેન્શિયલ યુનિટ્સની ડિમાન્ડ 1,30,000 જેટલી રહેશે જ્યારે સામે 38,000 જેટલો સપ્લાય હશે. એટલે વર્ષ 2012માં અમદાવાદ-ગાંધીનગરમાં 92,000 જેટલાં યુનિટ્સની અછત સર્જાશે. પરંતુ 2011 કરતાં વધુ યુનિટ્સનાં સપ્લાયને પગલે ઓવરઓલ માર્કેટમાં 12 ટકા જેટલો ગ્રોથ દેખાશે.
દુકાનો/ઓફિસો- લેનારા ફરશે તેટલા ફાવશે!
જ્યારે કમર્શિયલ સેગમેન્ટમાં ખરીદારોની ભાવતાલની શક્યતા વધુ બનશે તેવું એક્સપર્ટ્સ માની રહ્યાં છે. એટલે દુકાનો કે ઓફિસો ખરીદવા ઈચ્છતા ગ્રાહકો જેટલા ફરશે તેટલા વધુ ફાવશે. અમદાવાદની વાત કરીએ તો અહીં હાઈ-એન્ડ કમર્શિયલ પોર્પર્ટીઝનો અભાવ છે. અમદાવાદમાં માત્ર 1-2 જ એવી જગ્યા છે જ્યાં આ પ્રકારની કમર્શિયલ પ્રોપર્ટીઝ ઉપલબ્ધ છે. સામે ત્યાંના રેટ્સ પણ વધુ હોવાથી ત્યાંની પ્રોપર્ટીઝની ડિમાન્ડમાં એટલો વધારો નહીં જોવા મળે. જેથી આ સેગમેન્ટમાં કિંમતમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પણ હા, ઓછા વિકલ્પો હોવા છતાં પણ આ પ્રોપર્ટીમાં ભાવતાલની વધુ શક્યતાઓ રહેલી છે. જ્યારે અમદાવાદમાં નાની ઓફિસીસની ડિમાન્ડ વધુ રહે છે પણ સામે સપ્લાય પણ વધુ હોવાથી તેની કિંમતોમાં પણ ઘટાડો આવશે તેવું એક્સપર્ટ્સ માની રહ્યાં છે.
ઈન્ડસ્ટ્રીઅલ સેગમેન્ટને લઈને મૂંઝવણ
2012માં ઈન્ડસ્ટ્રીઅલ રીઅલ સેગમેન્ટનો કેવો હાલ હશે તે અંગે એક્સપર્ટ્સ પાસેથી અલગ અલગ મંતવ્યો જાણવા મળ્યાં છે. ઓવરઓલ આ સેગમેન્ટમાં પ્રોપર્ટીની ડિમાન્ડ તો વધશે જ જ્યારે તેના કારણોમાં ઓટો મોબાઈલ કંપનીનું ગુજરાતમાં આગમન, મુંબઈ-દિલ્હી કોરિડોર, SIRનો સમાવેશ થાય છે. ડિમાન્ડ વધવાની સાથે આ સેગમેન્ટની પ્રોપર્ટીની કિંમતોમાં પણ વધારો થશે તેમ એક રીઅલ એસ્ટેટ એક્સપર્ટનું કહેવું છે. તો અન્ય જાણકારોના કહેવા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં ઈન્ડસ્ટ્રીઅલ સેગમેન્ટનો ગ્રોથ માઈનસ રહ્યો છે પરંતુ રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે. એટલે આ સેગમેન્ટમાં કોઈ ઘટાડો નહીં થાય પરંતુ આંતરરાષ્ટ્રીય મંદીને ધ્યાનમાં રાખીને કોઈ વધારો પણ નહીં થાય. જ્યારે અન્ય એક એક્સપર્ટના કહેવા પ્રમાણે આ સંગેમેન્ટ 20 ટકા જેટલું ડાઉન રહેશે. ટૂંકમાં, દરેક એક્સપર્ટનાં આ સેગમેન્ટને લઈને અલગ અલગ મંતવ્યો જોવા મળ્યાં છે. પરંતુ તે વાત તો ચોક્કસ છે કે 2012માં ઔદ્યોગિક હેતુસરની માંગ તો ઘણી વધુ રહેશે. પણ એ વાત તો ચોક્કસ છે કે ઔદ્યોગિક રોકાણોના કારણે ગુજરાતનાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવે તેવી શક્યતા વધુ છે.
વિવિધ એક્સપર્ટ્સ સાથે વાત કર્યા બાદ એમ જરૂરથી કહી શકાય કે 2012નું વર્ષ મકાનની ખરીદી કરનારા લોકો માટે સારું સાબિત થશે. ઓવરઓલ પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો જોવા મળશે પરંતુ યુનિટ્સ સપ્લાયનું પ્રમાણ વધતાં ઓવરઓલ ગુજરાતનું રીઅલ એસ્ટેટ માર્કેટ ગ્રોથ બતાડશે.