અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ઉપર આવકવેરો નાખવાની કરાયેલી જોગવાઇ સામે દેશભરમાં ઉગ્ર વિરોધ ઊઠવા પામ્યો છે, ગુજરાતની 209 માર્કેટયાર્ડો તેના વિરોધમાં ગઇકાલ મંગળવારે સજ્જડ બંધ પાળ્યો હતો. જેના કારણે 100 કરોડથી પણ વધુના ટર્ન ઓવરને નુકસાન પહોંચવાની સાથે હજારો મજૂરો તથા ટ્રક-ટેમ્પોચાલકોને રોજગારી ગુમાવવી પડી હતી. ખેડૂતોએ પોતાનો માલ માર્કેટયાર્ડોમાં રવાના કરવાની કામગીરી થંભાવી દીધી હતી.
અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઉપપ્રમુખ બિપીન પટેલે જણાવ્યું હતું કે વાસણા, જમાલપુર, નરોડા તેમજ જેતલપુર ખાતેની તમામ માર્કેટો સજ્જડ બંધ રહી હતી. અમદાવાદની માર્કેટયાર્ડોમાં રોજેરોજ થતી છ લાખ કિવન્ટલ માલની ખરીદી તથા વેચાણની પ્રક્રિયા ઠપ્પ થઇ ગઇ હતી. રૂ. 3 કરોડનું ટર્નઓવર પણ અટવાઇ ગયું હતું.
અમદાવાદ નજીક સાણંદ- બાવળા સહિતના તમામ માર્કેટયાર્ડો બંધ રહ્યા હતા. સાણંદ માર્કેટયાર્ડના ચેરમેન જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, માર્કેટની વાર્ષિક આવક સરેરાશ 60 લાખ જેટલી છે તે પૈકી રૂ. 20 લાખનો આવકવેરો ભરવો પડશે. કેન્દ્ર સરકાર દ્વારા 33 ટકા પ્રમાણે આવકવેરો નાંખી દેતાં બજાર સમિતિઓની હાલત જરૂર કફોડી બનશે.
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દેશભરની બજાર સમિતિઓ પાસેથી 1200 કરોડનો આવકવેરો વસૂલી લેવાની કેન્દ્ર સરકારની આ ચાલ છે. ગુજરાતમાંથી જ માત્ર 60 કરોડથી પણ વધુ વેરો ભરવા પાત્ર થશે.રાજ્ય સરકારો દ્વારા આવી બજાર સમિતિઓની રચના કરાઇ છે. હકીકતમાં બજાર સમિતિઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેની પાસેથી આ પ્રકારે વેરો વસૂલી શકાય જ નહિ. દરમિયાનમાં અમદાવાદ ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીના પ્રમુખ તથા ગુજરાત ખેત બજાર નિયંત્રણ સંઘના ઉપપ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપનાર ચિમનભાઇ પટેલનું ગઇકાલ સવારે અવસાન થયું હતું. એટલે એવું પણ કહી શકાય કે, ચીમનકાકાના માનમાં તમામ માર્કેટયાર્ડો બંધ રહી હોય તે પ્રકારના સંજોગો સર્જાયા હતા.
|