લંડન. પૂર્વ પત્ની અને તેના પ્રેમીની હત્યા માટે સોપારી આપવા પહોંચેલો ભારતીય મૂળનો યુવાન બ્રિટીશ પત્રકારના સ્ટિંગ ઓપરેશનમાં આબાદ ઝડપાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટ કિલરના સ્વાંગમાં આવેલા પત્રકારે તેની તમામ વાતો રેકોર્ડ કરી લીધી હતી અને અદાલતમાં પુરાવા સ્વરૂપે રજુ કરી હતી. આ પુરાવાના આધારે અદાલતે ભારતીય મૂળના યુવાનને તેની પૂર્વ પત્ની અને તેના પ્રેમીની હત્યાનુ કાવતરુ ઘડવા બદલ સાડાપાંચ વર્ષની સજા ફટકારી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, બર્મિંગહામમાં રહેતા જસવિંદર હીરે તેની પૂર્વ પત્ની મોનિકા તથા તેના પ્રેમી હરસ્વરૂપ મેહમીની હત્યા માટે નેવેલી થર્લબેકને તૈયાર કર્યો હતો. શાર્પશૂટરના સ્વાંગમાં આવેલો નેવેલી થર્લબેક હકીકતમાં એક પત્રકાર હતો. તેણે સ્ટિંગ ઓપરેશન કરીને જસવિંદરની તમામ વાતો રેકોર્ડ કરી લીધી હતી.
આ વાતચીતની ટેપ પ્રકાશન માધ્યમોમાં ઉછળી હતી અને તેના પગલે જસવિંદર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્રેની અદાલતમાં આ કેસ ચાલી ગયો હતો. પત્રકારે પુરાવા સ્વરૂપે આરોપી સાથેની વાતચીતની ટેપ અદાલતમાં રજુ કરી હતી. જેને આધારે અદાલતે જસવિંદરને કસુરવાર ઠરાવીને તેને સાડાપાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.
|