બૈજીંગ. ચીનમાં ગઇકાલ સોમવારના સવારે આવેલા વિનાશક 7.8ની તીવ્રતાના ભૂકંપે મહાહોનારત સર્જી છે અને મરનારનો આંકડો આજે 12 હજાર ઉપર પહોંચી ગયો છે. નૈઋત્ય ચીનના સિચુઆન પ્રાંતમાં ભારતીય સમય મુજબ સોમવાર સવારે 11.58ના સુમારે 7.8ની તીવ્રતાના ભૂકંપે ધરતીને હચમચાવી નાખતાં 12 હજારથી વધુ લોકોનાં મોત નીપજયાંના તેમ જ પહાડી વિસ્તારમાં સ્થિતિ વણસવા સાથે 15000 જેટલા લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
ભૂકંપથી ઇમારતોને મોટાપાયે થયેલા નુકસાનના અહેવાલો વચ્ચે નુકસાની અને મૃત્યુઆંક હજીપણ વધી શકે છે. લગભગ 12 વાગ્યાના સુમારે ભૂકંપના શકિતશાળી આંચકાએ બેઇજિંગ અને ચીનની આર્થિક રાજધાની શાંઘાઇ સહિતનાં શહેરો અને નગરોની ઇમારતને હચમચાવી નાખતાં ભયભીત બનેલા હજારો લોકો ઇમારતો છોડીને જીવ બચાવવા ખુલ્લામાં દોડી આવ્યા હતા. શાંઘાઇ ખાતેની ચીનની સૌથી ઊંચી ઇમારત જિનામો ટાવરને પણ સાવચેતીનાં પગલાં રૂપે ખાલી કરાવી દેવાયો હતો.
ચીનમાં સિચુઆન, ગાન્સુ અને યુન્નાન પ્રાંતમાં અનુભવાયેલા શકિતશાળી ભૂકંપને પગલે થાઇલેન્ડની રાજધાની બેંગકોક અને વિયેતનામની રાજધાની હેનોઇ ખાતે પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. પૂર્વ બેઇજિંગમાં રીચર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ચીનની સમાચાર સંસ્થાએ આપેલા અહેવાલ મુજબ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં આવેલા ચેંગદુ, ચોંગકીંગ અને ઝોંગઝોહુ શહેરમાં સંદેશાવ્યવહાર તંત્ર ખોરવાઇ ગયું હતું. ચેંગદુની કેટલીક ઇમારતો પર લાંબી તિરાડો પણ દેખાતી હતી. વેન્ચચુઆન પ્રદેશમાં ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું હતું અને તેની નજીકના અંતરે આવેલા દુજિધ્યાંગ શહેરમાં અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઇ હતી.
અસરગ્રસ્ત વિસ્તારમાં સેનાએ બચાવ અને રાહત કામગીરી આરંભી દીધી હતી. પ્રમુખ હુ જિન્તાઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં બેહાલ બનેલા લોકોને મદદ કરવા બધું જ કરી છૂટવા આદેશ આપ્યા છે. વડાપ્રધાન વેન જિઆબાઓ રાહત કામગીરી પર નિગરાની રાખી રહ્યા છે. ચીનમાં આવેલા ભૂકંપને પગલે હોંગકોંગથી બહાર અને અંદર તરફ આવતી એમ બંને પ્રકારની વિમાની સેવાઓ ખોરવાઇ ગઇ હતી.
અંત્રે નોંધનિય છે કે, ચીનમાં છેલ્લે 28 જુલાઇ 1976ના રોજ બેઇજિંગ નજીક આવેલા તંગશાન શહેરમાં આટલી સંગીન તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો કે જેમાં બે લાખ લોકો માર્યાં ગયાં હતાં.
|