લખનઉ(એજન્સી) બજેટ સત્રના પહેલા જ દિવસે ઉત્તરપ્રદેશ વિધાનભામાં વિરોધપક્ષના નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યપાલ પોતાનુ ભાષણ વાંચે તે પહેલા જ વિરોધી નેતાઓએ કાળા રંગના ફુગ્ગા ઉડાડી રોષ વ્યક્ત કરતાં માત્ર એક મિનીટમાં જ રાજ્યપાલ સભાગૃહ છોડીને ચાલ્યા ગયા હતા.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, બજેટસત્રના પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી તથા અન્ય વિરોધી દળોના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. દિવસે 11.00 વાગ્યે સદનની કાર્યવાહિ શરૂ કરવામાં આવી હતી અને રાજ્યપાલ ટી વી રાજેશ્વર પોતાનુ ભાષણ વાંચવાની તૈયારી કરતાં હતા તે સમયે વિરોધી દળના સદસ્યો પોતાના હાથમાં બેનરો લઈને ઉભા થઈ ગયા હતા. કેટલાક સદસ્યો રાજ્યપાલની પીઠની પાછળ આવી ગયા અને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. શોરબકોર વચ્ચે રાજ્યપાલ પોતાનુ અભિભાષણ વાંચી શક્યા ન હતા. તે દરમિયાન સદસ્યોએ કાળારંગના ફુગ્ગા સદનમાં ઉડાવ્યા હતા. જેને કારણે રાજ્યપાલને સદન છોડીને ચાલી ગયા હતા.
રાજ્યપાલના ગયા બાદ તુરંત મુખ્યમંત્રી માયાવતી પણ બહાર નીકળી ગયા હતા. બુંદેલખંડના મામલે રાજ્યપાલના ભાષણનો ઉગ્ર વિરોધ નોંધાવતાં કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યુ હતુ કે, બુંદેલખંડમાં 200થી વધુ ખેડુતોએ આત્મહત્યા કરી લીધી હતી અને અનેક ખેડુતો પલાયન થઈ ગયા હતા. બહુજન સમાજ પાર્ટીની રેલી બાદ 40થી વધુ લોકો ભુખના કારણે મોતને ભેંટ્યા હતા. સરકાર ખોટુ બોલે છે કે, બુંદેલખંડમાં કોઈ ભુખથી મર્યુ નથી. સરકારના મંત્રીઓ ભ્રષ્ટાચારથી લિપ્ત છે. એક મંત્રી સામે એફઆઈઆર નોંધાઈ ચુકી છે તેમની સામે યોગ્ય કાર્યવાહિ તથા તપાસ થવી જોઈએ. સરકારનો વિરોધ વિધાનસભાથી લઈને રસ્તા સુધી વ્યાપક બનાવવામાં આવશે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
|