શહડોલ. મધ્યપ્રદેશના શહડોલની જિલ્લા પોલીસે ગઈકાલે રાત્રે બાતમીના આધારે ગાંજો ભરીને જતી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો જ્યારે તેનો ક્લીનર ભાગી છુટવામાં સફળ થયો હતો.
શહડોલ નગર નિરીક્ષક હેમંત શર્માએ જણાવ્યુ હતુ કે, બાતમીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે આઈટીઆઈ બેરિયર નજીક નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન એક ટ્રક માર્ગ ઉપરથી પસાર થઈ હતી.
પોલીસે ટ્રક રોકીને ડ્રાઈવરની પુછતાછ શરૂ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાંથી દોઢસો થેલી ભરીને કુલ 17 ક્વીન્ટલ ગાંજો મળી આવ્યો હતો.
આટલા મોટા પ્રમાણમાં મળેલા ગાંજાના જથ્થાને જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી અને ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. પરંતુ ક્લીનર નાસી છુટવામાં સફળ થયો હતો.
ડ્રાઈવરની પ્રાથમિક પુછતાછમાં બહાર આવ્યુ હતુ કે, ગાંજાનો આ વિપુલ જથ્થો ઓરિસ્સાના મલાકનગીરી જિલ્લામાંથી ભરવામાં આવ્યો હતો અને તેને બ્યોહારી રિવા લઈ જવાતો હતો. ગાંજાની કુલ કિંમત 24 લાખ રૂપિયા હોવાનુ બહાર આવ્યુ હતુ. પોલીસે ટ્રક ચાલકની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી છે.
|