લુધિયાણા. લુધિયાણાના સિવીલ લાઈન્સ ક્ષેત્રમાં 16 વર્ષની સગીર કન્યા ઉપર ત્રણ નરાધમ પોલીસકર્મીઓએ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ આ ગુનામાં સંડોવાયેલા ત્રણે પોલીસકર્મીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
આ બનાવ અંગે લુધિયાણા રેન્જ ડીઆઈજી ઈશ્વરસિંહે જણાવ્યુ હતુ કે, ગઈકાલે રાત્રે લુધિયાણા ઉપાયુક્તના નિવાસ સ્થાનની પાછળ આવેલા એક બગીચામાં સગીર કન્યા પોતાના મીત્રને મળવા આવી હતી.
તે સમયે પીસીઆર ડ્યુટીમાં તૈનાત ત્રણ પોલીસકર્મીઓની નજર તેની ઉપર પડી હતી. ત્રણે જણાંએ બદકામ કરવાના ઈરાદે સગીર કન્યાને ઉઠાવી લીધી હતી અને તેને બગીચાના એક આવાવરુ સ્થળે તેને લઈ ગયા હતા. જ્યાં તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
ત્રણે નરાધમોની ચુંગાલમાંથી છુટવા માટે સગીરાએ બુમરાણ મચાવતાં આસપાસના લોકો એકત્રીત થઈ ગયા હતા. જેથી ગભરાયેલા પોલીસકર્મીઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા.
લોકોએ બળાત્કારનો ભોગ બનેલી સગીરાને ઉપાયુક્તના નિવાસ સ્થાને ખસેડી હતી. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે સ્થાનીક પોલીસે ત્રણે નરાધમ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ત્રણે પોલીસકર્મીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
|