ધાર. ધારના કોંગ્રેસ અગ્રણી મુજીબ કુરેશી પર આજે અજ્ઞાત શખ્સોએ હુમલો કરતાં હાહાકાર મચી ગયો હતો. હુમલાખોરોથી બચવા માટે કોંગ્રેસ અગ્રણીએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર કાઢતાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. રિવોલ્વર જોઈને ગભરાઈ ગયેલા હુમલાખોરો પલાયન થઈ ગયા હતા પરંતુ એક જણાંને પકડવામાં કોંગ્રેસ અગ્રણીને સફળતા મળી હતી. પકડાયેલા શખ્સને પોલીસના હવાલે કરી દેવાયો છે.
જોકે, તેમની ઉપર હુમલો કેમ કરવામાં આવ્યો હતો તે હજી સુધી જાણી શકાયુ નથી. કોંગ્રેસ અગ્રણી મુજીબ કુરેશી તેમના ડ્રાઈવર અને અન્ય એક સમર્થક સાથે મુણ્ડાવદામાં આયોજીત ઉર્સમાં ભાગ લેવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
પાંચ જેટલા અજ્ઞાત શખ્સોએ તેમની ગાડી ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને કારણે ડ્રાઈવરને ગાડી રોકવાની ફરજ પડી હતી. તે દરમિયાન હુમલાખોરોએ મુજીબ કુરેશીને ઘેરી લીધા હતા અને તેમની ઉપર હુમલો કર્યો હતો.
તે સમયે કુરેશીએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર કાઢી હતી. જે જોઈને હુમલાખોરો ગભરાઈ ગયા હતા અને તેઓ ભાગી છુટ્યા હતા. પરંતુ એક જણાંને પકડવામાં કોંગ્રેસ અગ્રણીને સફળતા મળી હતી. જેને પોલીસના હવાલે કરી દેવાયો હતો.
|