રાજકોટ. મોરબી જેલમાં 11 મહિનાની સજા ભોગવી રહેલા કેદીએ આપઘાતની કોશીષ કરતાં હાહાકાર મચી ગયો હતો. કેદીને સારવાર માટે રાજકોટની જેલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે જેલના પોલીસકર્મીઓના મારથી ડરીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી કેફીયત રજુ કરતાં સ્થાનીક પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મુશ્તાક રહિમતુલ્લા મિયાનાએ ગઈકાલે મોરબીની જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ જેલ સત્તાધીશોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાંથી તેને રાજકોટના સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
જ્યાં તેણે સ્થાનીક પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, તેને જેલના પોલીસકર્મીઓ દ્વારા નિર્દયતાપૂર્વક મારમારવામાં આવ્યો હતો. જેથી તેણે અંતિમ પગલુ લેવાનો નિર્ણય લીધો હતો. તેના નિવેદનના આધારે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
|