ઈન્દોર. ઈન્દોરના હેન્ડલૂમ માર્કેટમાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠતાં દસ દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ હતી. આગના આ બનાવમાં લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શહેરના એમ જી રોડ નજીક આવેલા હેન્ડલૂમ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગાદી, તકીયા તથા કપડાંના માર્કેટમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને જોતજોતાંમાં માર્કેટની દસ જેટલી દુકાનોને પોતાના ભરડામાં લઈ લીધી હતી.
બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ ત્રણેક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ તે પહેલા માર્કેટની દસ દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આ બનાવમાં થયેલા નુકસાનનો આંક લાખો વટાવે તેવી આશંકા છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટની એક દુકાનમાં ચાલી રહેલા વેલ્ડીંગ કામ દરમિયાન ઉડેલા તણખાથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યુ છે. અલબત્ત, આગ લાગવાનુ સાચુ કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
|