અમદાવાદ(ભાષા) ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા જીગ્નેશ પટેલે પોતાને ખેલાડીનો દરજ્જો આપીને ખેલાડીઓને મળતી તમામ સુવિધાઓ આપાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, ટેનિસ બોલથી રમાતી ક્રિકેટ, ખરેખર ક્રિકેટ નથી અને તેનાથી રમતા લોકોને ખેલાડીઓની શ્રેણીમાં મુકવામાં ન આવે તેવો હુકમ કરીને અદાલતે તેની અરજીને રદ્ કરી દીધી હતી.
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભગવતી પ્રસાદે કહ્યુ હતુ કે, ટેનિસ બોલથી રમાતી ક્રિકેટ ખરેખર ક્રિકેટ નથી. ટેનિસ બોલથી રમવાના કારણે કોઈ ખેલાડી બની જતુ નથી અને તેથી ટેનિસ બોલથી રમનારાઓને ખેલાડીનો દરજ્જો મળતો નથી તથા તેના લાભ પણ તેને નથી મળતાં.
અદાલતે ટાંક્યુ હતુ કે, ટેનિસ બોલ ગેમને ક્રિકેટ માનવામાં આવે તો ગલીઓમાં રમતા તમામને પણ ખેલાડીને દરજ્જો આપવો પડે, જે શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ પટેલે પોતાની અરજીમાં જણાવ્યુ હતુ કે, તે ટેનિસ બોલથી ક્રિકેટ રમે છે જેથી તેને ખેલાડીનો દરજ્જો આપીને નોકરીમાં તેને પાંચ અતિરીક્ત પોઈન્ટ આપવા જોઈએ.
|