બેતિયા. પશ્ચિમી ચંપારણ્યના વાલ્મીકી નગર સંરક્ષીત વાઘ પરિયોજના વનક્ષેત્રમાં અજ્ઞાત શિકારીઓની ગેંગે એક વાઘ ઉપર અંધાધૂધ ગોળીબાર કરી તેનો શિકાર કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જંગલ વિભાગના અધિકારીઓએ અજ્ઞાત શિકારીઓ સામે ગુનો દાખલ કરી તેઓનુ પગેંરુ પામવાના પ્રયાસો હાથ ધર્યા છે.
મુખ્ય વન સંરક્ષક ભારત જોષીએ જણાવ્યુ હતુ કે, નેપાળના છિતવન નેશનલ પાર્કથી સરહદથી જોડાયેલા ભારતીય સીમાના મદનપુર ક્ષેત્રમાં સ્થિત જંગલમાં કેટલાક અજ્ઞાત શિકારીઓએ વાઘને ગોળી મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. ઈજાગ્રસ્ત વાઘ શિકારીઓની બિછાવેલી જાળમાં ફસાઈ ગયો હતો.
દરમિયાન પેટ્રોલિંગ કરવા નીકળેલા જંગલ ખાતાના અધિકારીઓને આ બાબતની જાણ થઈ હતી. જેથી તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ ગોળીઓથી વિંધાયેલા વાઘને ભારે જહેમત બાદ શિકારીઓની જાળમાંથી બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો. પરંતુ તે પહેલા જ તેનુ મોત નીપજ્યું હતુ.
આ બનાવની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. એક તરફ વાઘને બચાવવા માટે દેશભરમાં અભિયાન છેડાયુ છે ત્યારે બીજી તરફ વાઘના થયેલા શિકારની વાત વાયુવેગે પ્રસરી જતાં પ્રાણી પ્રેમીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ વનક્ષેત્રમાં 40 વાઘો નિવાસ છે. વન અધિકારીઓએ આ બનાવ અંગે અજ્ઞાત શિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓનુ પગેંરુ પામવાના પ્રયાસો હાથ ધર્યા છે.
|